<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

કપિલ શર્માની ભવિષ્યવાણી અને શો રાતોરાત ઠપ: કોમેડી કિંગના એક ફોન કોલ પાછળ છુપાયેલું હતું સમય રૈનાના વિવાદનું રહસ્ય

"તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે..." કપિલની ચેતવણી સાચી પડી ને સમય રૈનાનો શો રદ થયો: ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં રણવીર અલ્હાબાદિયા સાથે પહોંચેલા યુટ્યુબરે ભૂતકાળના વિવાદો પરથી ઉઠાવ્યો પડદો

મુંબઈ :વિવાદાસ્પદ શો "ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ" થી ચર્ચામાં આવેલા કોમેડિયન સમય રૈના અને પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા લાંબા સમય બાદ ફરી એકવાર સાથે જોવા મળ્યા છે. "ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો" ના લેટેસ્ટ એપિસોડમાં આ જોડીએ એન્ટ્રી કરતા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચી ગઈ છે. કપિલ શર્માએ પોતાના આગવા અંદાજમાં આ બંને સેલિબ્રિટીઝના જૂના વિવાદો પર ચપટી લીધી હતી. કપિલે મજાકમાં ટિપ્પણી કરી કે વર્ષ 2025 માં આ બંને એટલા ફેમસ થયા હતા કે માત્ર ઇન્ટરનેટ જ નહીં, પણ અલગ-અલગ રાજ્યોની પોલીસ પણ તેમને "શોધી" રહી હતી, જેના કારણે સેટ પર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

શો દરમિયાન સમય રૈનાએ એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, તેનો શો રદ થયો તેના બરાબર એક દિવસ પહેલા કપિલ શર્માનો તેને ફોન આવ્યો હતો. સમયે કહ્યું, "કપિલ સરે મને ફોન કરીને ચેતવણી આપી હતી કે મારી સાથે કંઈક ખરાબ થવાનું છે અને હું મુશ્કેલીમાં મુકાઈ શકું છું." કપિલે આ વાતનો સ્વીકાર કરતા ઉમેર્યું કે, આ કોઈ જ્યોતિષ વિદ્યા નથી પણ તેમનો વર્ષોનો અનુભવ હતો. તેમણે સમયને વધતી જતી લોકપ્રિયતા અને વિવાદો વચ્ચે સાવધ રહેવાની સલાહ આપી હતી, જે કમનસીબે સાચી પડી અને બીજા જ દિવસે સમય રૈનાના શો પર પ્રતિબંધ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

એપિસોડના અંતે વાતાવરણ ઘણું હળવું જોવા મળ્યું હતું. રણવીર અલ્હાબાદિયા અને સમયે ભૂતકાળની ભૂલોમાંથી શીખ મેળવી હોવાનું સ્વીકાર્યું હતું. કપિલે મજાકિયા અંદાજમાં શિખામણ આપી કે હવે શોના સભ્યો પરિણીત છે અને બાળકો વાળા છે, તેથી શબ્દોનો પ્રયોગ સાવચેતીથી કરવો જોઈએ. રણવીરે હસતા હસતા ખાતરી આપી હતી કે હવે તેઓ કન્ટેન્ટને ‘ફેમિલી ફ્રેન્ડલી’ રાખશે. આ પુનઃમિલનથી ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાંબા સમય બાદ આ બંને દિગ્ગજોને એકસાથે સ્ક્રીન પર જોઈને પ્રેક્ષકો પણ આશ્ચર્યચકિત થયા છે.

(2:32 PM IST)