<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

બિનસત્તાવાર નિરીક્ષણ દરમિયાન પરિવહન મંત્રીને જ કંડક્ટરે બસમાંથી ઉતારી મૂક્યા: મુસાફરોની રોજિંદી સમસ્યાનો જાત અનુભવ

​બંનેના હાથમાં નહોતા છૂટા પૈસા, મંત્રીએ કોઈ પણ ઓળખ આપ્યા વગર ચૂપચાપ બસમાંથી નીચે ઉતરી જવાનું પસંદ કર્યું: બેંગલુરુની સરકારી બસ સેવાની પોલ ખુલી

​બેંગલુરુ: કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક ઓચિંતા નિરીક્ષણ દરમિયાન અત્યંત રસપ્રદ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે સરકારી વિભાગોમાં ઉચ્ચ અધિકારીઓ કે મંત્રીઓના નિરીક્ષણ વખતે તંત્ર સજાગ થઈ જતું હોય છે, પરંતુ આ વખતે મંત્રીએ ફિલ્મ 'નાયક'ની શૈલીમાં મોઢા પર માસ્ક લગાવીને એક સામાન્ય મુસાફર તરીકે સરકારી બસમાં મુસાફરી કરી હતી. આ મુસાફરી દરમિયાન તેમણે એક એવા કડવા અનુભવનો સામનો કરવો પડ્યો જેનો સામનો શહેરના હજારો સામાન્ય મુસાફરો રોજિંદા ધોરણે કરી રહ્યા છે.

​મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુના હેબ્બલથી નાગશેટ્ટીહલ્લી રૂટ પર બીએમટીસી (BMTC)ની બસમાં સવાર થયા હતા. મુસાફરી દરમિયાન જ્યારે તેમણે કંડક્ટર પાસે બે ટિકિટ માંગી અને પેમેન્ટ કરવા માટે ૧૦૦ રૂપિયાની નોટ આપી, ત્યારે કંડક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે તેમની પાસે છૂટા પૈસા નથી. મંત્રીએ જ્યારે પોતાની પાસે પણ છૂટા પૈસા ન હોવાનું જણાવ્યું, ત્યારે કંડક્ટરે કોઈપણ પ્રકારની નરમાશ રાખ્યા વિના મંત્રીને બસમાંથી ઉતરી જવા માટે કહી દીધું.

​આ ક્ષણે કંડક્ટરને તે વાતનો જરાય અંદાજ નહોતો કે જે મુસાફરને તે બસમાંથી ઉતારી રહ્યો છે, તે રાજ્યના પરિવહન મંત્રી પોતે છે. મંત્રીએ પણ કંડક્ટર સાથે કોઈ દલીલ ન કરી અને પોતાની ઓળખ છતી કર્યા વગર ચૂપચાપ બસમાંથી નીચે ઉતરી ગયા હતા.

​મંત્રી બાયરાથી સુરેશે આ અંદાજે બે કલાક સુધી વિવિધ રૂટો પર ૧૦થી વધુ બસોમાં મુસાફરી કરીને શહેરની જાહેર પરિવહન વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ જાણી હતી. આ નિરીક્ષણ દરમિયાન માત્ર બસની સમસ્યા જ નહીં, પરંતુ તેમણે રિક્ષાચાલકોની મનમાનીનો પણ અનુભવ કર્યો હતો. રિક્ષામાં મુસાફરી દરમિયાન મીટરમાં ૩૦ રૂપિયા ભાડું બતાવતું હોવા છતાં ચાલકે ૩૬ રૂપિયાની માંગણી કરી હતી, જેનો પણ મંત્રીએ સામનો કર્યો હતો.

​આ ઘટના બાદ મંત્રી દ્વારા બસ સેવાઓમાં જોવા મળેલી અન્ય બેદરકારી અને લાપરવાહી બદલ સંબંધિત કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ જાહેર પરિવહનમાં મુસાફરોને પડતી 'છૂટા પૈસા'ની વ્યાપક સમસ્યા અને સિસ્ટમની ખામીઓને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે.

(11:21 AM IST)