તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
કર્ણાટકની ગાદી પરથી સિદ્ધારમૈયાની વિદાયઃ ડી.કે. શિવકુમાર બનશે નવા ‘કિંગ'
હાઈકમાન્ડના આદેશ બાદ કર્ણાટકમાં સતા પરીવર્તનઃ બેંગલુરુમાં નાસ્તાની બેઠક બાદ ભાવુક દ્રશ્યો સર્જાયા

બેંગલુરુ, તા.૨૮: કર્ણાટકના રાજકારણમાં આજની સવાર એક મોટો ભૂકંપ લઈને આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આણતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આખરે પોતાના પદ પરથી રાજીનામું આપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે યોજાયેલી નાસ્તાની બેઠકમાં વાતાવરણ ત્યારે ગંભીર બની ગયું જ્યારે સિદ્ધારમૈયાએ મળદુ સ્વરે પોતાના સાથીઓને જણાવ્યું કે તેઓ બપોરે ૩ વાગ્યે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે. આ બેઠક માત્ર ભોજન પૂરતી મર્યાદિત ન રહેતા સત્તા હસ્તાંતરણની ઔપચારિક મહોર બની ગઈ હતી, જેનાથી રાજ્યના રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયા છે.
આ સત્તા પરિવર્તનના કેન્દ્રમાં કોંગ્રેસના ‘સંકટમોચક' ગણાતા ડી.કે. શિવકુમારનું નામ મોખરે છે. હાઈકમાન્ડના આદેશ બાદ સિદ્ધારમૈયાએ માત્ર રાજીનામું જ નથી આપ્યું, પરંતુ શિવકુમારને પોતાના અનુગામી તરીકે સ્વીકારીને એકતાનો સંદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં શિવકુમાર ભાવુક થઈને સિદ્ધારમૈયાને ભેટી રહ્યા છે અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઈ રહ્યા છે. આ દ્રશ્યોએ સ્પષ્ટ કરી દીધું છે કે પક્ષની અંદર ભલે ખેંચતાણ રહી હોય, પરંતુ વિદાય લેતા મુખ્યમંત્રીએ મોટા ભાઈની ભૂમિકા ભજવીને સન્માનજનક રીતે સત્તાની લગામ સોંપી છે.
જોકે, આ સમગ્ર ઘટનાક્રમ પાછળ દિલ્હી દરબારની મહત્વની ભૂમિકા હોવાનું મનાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથેની મેરેથોન બેઠકો બાદ સિદ્ધારમૈયાએ પક્ષના હિતમાં આ કઠિન નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીએ તેમને રાષ્ટ્રીય રાજકારણમાં મોટી જવાબદારી અને રાજ્યસભાની બેઠકની ઓફર પણ કરી છે, પરંતુ હાલમાં સિદ્ધારમૈયાએ કેન્દ્રીય ભૂમિકા માટે મૌન સેવ્યું છે. બીજી તરફ, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત હાલમાં ઇન્દોર હોવાથી રાજીનામાની પ્રક્રિયામાં ટેકનિકલ વિલંબ થઈ શકે છે, પરંતુ કર્ણાટકની ગલીઓમાં હવે ડી.કે. શિવકુમારના રાજ્યાભિષેકની તૈયારીઓના અવાજ સંભળાવા લાગ્યા છે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
