News of Friday, 1st May 2026
કાશ્મીર ઘર વાપસીઃ રૂ.૧,૬૧૮ કરોડનો ધુમાડો, પણ ખીણમાં વસ્યા માત્ર ૩ પરિવારો!
હજારો યુવાનોને નોકરી અને આવાસ મળ્યા પણ સુરક્ષા અને વિશ્વાસના અભાવે પુનર્વસનનો આંકડો શૂન્ય ૩૬ વર્ષનો વનવાસ ખતમ કરવા સરકારે તિજોરી ખોલી નાખી છતાં જમીની હકીકત ચોંકાવનારી

શ્રીનગર, તા.૧: કાશ્મીરી પંડિતોના પુનર્વસન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના મિશન કાશ્મીર પર ગંભીર સવાલો ઉભા થયા છે. RTI દ્વારા બહાર આવેલી માહિતી મુજબ, વર્ષ ૨૦૦૯થી શરૂ થયેલા રૂ.૧,૬૧૮ કરોડના મસમોટા પેકેજ બાદ પણ અત્યાર સુધી માત્ર ૩ કાશ્મીરી પરિવારો જ કાયમી ધોરણે ખીણમાં પરત ફર્યા છે. સરકાર દ્વારા આવાસ, ખેતી અને લોન માફી જેવી આકર્ષક યોજનાઓ હોવા છતાં, ૩૬ વર્ષના લાંબા વિસ્થાપન પછી પિતળભૂમિમાં પરત ફરવા માટે લોકોમાં હજુ પણ ભય અને અવિશ્વાસનું વાતાવરણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચ સામે આ પરિણામ વહીવટી નિષ્ફળતા અને નીતિઓની અસરકારકતા સામે આંગળી ચીંધે છે.
સરકારે વિસ્થાપિત યુવાનોને ખીણ સાથે જોડવા માટે PM પેકેજ હેઠળ ૬,૦૦૦ નોકરીઓનું લક્ષ્ય રાખ્યું હતું, જેમાંથી ૫,૮૮૦ જગ્યાઓ ભરી દેવામાં આવી છે. જોકે, આ નોકરી મેળવનારા મોટાભાગના યુવાનો ટ્રાન્ઝિટ કેમ્પમાં રહે છે અને તેઓ તેને કાયમી વસવાટને બદલે માત્ર આજીવિકાનું સાધન માની રહ્યા છે. ૧ એપ્રિલ, ૨૦૨૬ સુધીના ડેટા મુજબ, ૬,૦૦૦ માંથી ૪,૧૧૮ ટ્રાન્ઝિટ આવાસ તૈયાર થઈ ગયા છે, પરંતુ આ હંગામી વ્યવસ્થા મૂળ વતનમાં ઘર વાપસી કરાવવામાં નિષ્ફળ રહી છે. રહેણાંક માટે રૂ.૭.૫ લાખની સહાયની જોગવાઈ હોવા છતાં લોકો પોતાના જૂના મકાનો બાંધવા તૈયાર નથી.
બીજી તરફ, વહીવટીતંત્રે કાશ્મીરી સ્થળાંતર કરનારાઓની મિલકતોના રક્ષણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટને કસ્ટોડિયન બનાવ્યા છે અને મિલકતોના ડિસ્ટ્રેસ સેલ (મજબૂરીમાં વેચાણ) પર રોક લગાવી છે. આમ છતાં, જમીની સ્તરે સામાજિક તાણાવાણા તૂટી ગયા હોવાથી અને સુરક્ષાની ચિંતાઓને કારણે આ આર્થિક પ્રોત્સાહનો ગૌણ સાબિત થઈ રહ્યા છે. રૂ.૧,૬૧૮ કરોડ જેવી માતબર રકમ વાપર્યા પછી પણ જો માત્ર ૩ જ પરિવારો સુરક્ષિત અનુભવીને પાછા ફરે, તો તે સ્પષ્ટ કરે છે કે કાશ્મીરનો પ્રશ્ન માત્ર આર્થિક પેકેજથી નહીં પણ સામાજિક અને માનસિક સુરક્ષાથી ઉકેલાશે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
