News of Monday, 29th June 2026
૩૬ વર્ષ જૂના સરલા ભટ હત્યાકાંડમાં કાશ્મીર SIAની મોટી કાર્યવાહી: શ્રીનગર કોર્ટમાં ૭૩૭ પાનાની ચાર્જશીટ દાખલ, આતંકી યાસીન મલિક મુખ્ય સૂત્રધાર જાહેર
"સમય ક્યારેય આતંકવાદની ઢાલ બની શકે નહીં": ખીણમાં નર્સ સરલા ભટનું અપહરણ કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હતી, જેકેએલએફ (JKLF) ના કમાન્ડરો સામે કાયદાનો ગાળિયો કસાયો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના કાળા ઈતિહાસના સૌથી ક્રૂર પ્રકરણોમાંના એક એવા 'સરલા ભટ હત્યાકાંડ' માં ૩૬ વર્ષ બાદ ન્યાયની આશા જીવંત થઈ છે. કાશ્મીર રાજ્ય તપાસ એજન્સી (SIA) એ સોમવારે શ્રીનગરની વિશેષ ટાડા/પોટા (TADA/POTA) અને એનઆઈએ (NIA) કોર્ટ સમક્ષ ૧૯૯૦ના આ ચકચારી કેસમાં ૭૩૭ પાનાની એક વિશાળ અને સચોટ ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં કુખ્યાત આતંકવાદી સંગઠન JKLFના તત્કાલીન ચીફ કમાન્ડર યાસીન મલિક સહિત તેના સાથીદારોને આ ઘાતકી હત્યાના મુખ્ય આરોપી તરીકે નામિત કરવામાં આવ્યા છે.
આતંકવાદ સામે ઐતિહાસિક સીમાચિહ્ન: પીડિતો માટે ન્યાયની નવી આશા
વર્ષ ૧૯૯૦ માં શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) માં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા કાશ્મીરી પંડિત સરલા ભટનું આતંકવાદીઓ દ્વારા હોસ્પિટલમાંથી જ અપહરણ કરવામાં આવ્યું હતું. તેના બીજા જ દિવસે શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાંથી તેમનો ગોળીઓથી વિંધાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસ લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ વર્ષ ૨૦૨૪ માં સત્તાવાર રીતે કાશ્મીર SIA ને સોંપવામાં આવ્યો હતો. એજન્સીએ છેલ્લા બે વર્ષમાં દેશભરમાં અનેક સ્થળોએ દરોડા પાડીને મૌખિક જુબાનીઓ, ફોરેન્સિક-બેલિસ્ટિક રિપોર્ટ્સ, તબીબી પુરાવા અને ઈલેક્ટ્રોનિક દસ્તાવેજો એકઠા કર્યા છે, જેને એજન્સીએ આતંકવાદના પીડિતો માટે "ઐતિહાસિક સીમાચિહ્નરૂપ" ગણાવ્યું છે.
યાસીન મલિક અને તેના સાથીદારોનો ખૂની ખેલ બેનકાબ
SIA ની તપાસમાં સનાતન સત્ય સામે આવ્યું છે કે આ ક્રૂર અપહરણ અને હત્યાનું આખું ષડયંત્ર યાસીન મલિક (Yasin Malik) અને તેના ચાર સાથીદારો - ખુર્શીદ અહમદ ચાલકુ, અબ્દુલ હમીદ શેખ, ગુલામ મોહમ્મદ ટપલૂ અને મોહમ્મદ યુસુફ સોફી દ્વારા ઘડવામાં આવ્યું હતું. હાલમાં યાસીન મલિક અન્ય ટેરર ફંડિંગ કેસમાં જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે, જ્યારે તેના અન્ય ત્રણ સાથીઓ (અબ્દુલ હમીદ, ગુલામ મોહમ્મદ અને મોહમ્મદ યુસુફ) મૃત્યુ પામ્યા છે. સરલા ભટ પર સીધી ગોળી ચલાવનાર મુખ્ય શૂટર ખુર્શીદ અહમદ ચાલકુ કાશ્મીરથી ભાગીને હાલ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો છે, જેની સામે જાહેરનામાની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
"કાયદાના શાસનને આતંક ક્યારેય હરાવી શકે નહીં"
SIA ના પ્રવક્તાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, "ગમે તેટલા દાયકાઓ વીતી જાય, સમય ક્યારેય આતંકવાદીઓના પાપ છુપાવવાની ઢાલ બની શકે નહીં. આ કેસ સાબિત કરે છે કે ભય, ધાકધમકી અને હિંસા દ્વારા ન્યાયમાં વિલંબ ચોક્કસ થઈ શકે છે, પરંતુ કાયદાના શાસનને ક્યારેય હંમેશા માટે હરાવી શકાતો નથી." તમામ આરોપીઓ પર ટાડા (TADA) એક્ટ, ૧૯૮૭ અને ભારતીય શસ્ત્ર અધિનિયમ (Arms Act) ની ગંભીર કલમો હેઠળ ગુનો સાબિત કરવામાં આવ્યો છે, જે અંતર્ગત કડક સજાની જોગવાઈ છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
