News of Tuesday, 17th November 2026
હવે જનતા ખુદ નિહાળશે કેજરીવાલના ‘શીશ મહેલ'નો વૈભવઃ આવતા અઠવાડિયાથી ખુલશે દરવાજાઃ ઓનલાઈન બુકિંગ થશે
વિયેતનામી માર્બલ, મોંઘા પડદા અને સ્માર્ટ લાઇટસ સહિતની ભવ્યતા હવે લોકો રૂબરૂ નિહાળી શકશે પીડબ્લ્યુડી મંત્રી પ્રવેશ વર્માની મોટી જાહેરાતઃ સ્ટેટ ગેસ્ટ હાઉસ બનાવવાનો નિર્ણય બદલીને જનતાની માંગને માન અપાયુ

નવી દિલ્હી, તા.૧૭: દિલ્હીના રાજકારણમાં સતત વિવાદોનું કેન્દ્ર રહેલો પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સિવિલ લાઈન્સ સ્થિત ૬ ફ્લેગ સ્ટાફ રોડ ખાતેનો સત્તાવાર બંગલો, જેને ભાજપ શીશ મહેલ ગણાવે છે, તે હવે આવતા અઠવાડિયાથી સામાન્ય જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. દિલ્હીના પીડબ્લ્યુડી મંત્રી પ્રવેશ વર્માએ મંગળવારે આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે અગાઉ કેબિનેટે આ બંગલાને સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પત્રકારો અને જનતાની પ્રબળ માંગને ધ્યાનમાં રાખીને હવે તેને જાહેર મુલાકાત માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે. મુલાકાતીઓ માટે ટૂંક સમયમાં ઓનલાઈન રિઝર્વેશનની સુવિધા શરૂ કરાશે, અને તે પહેલાં આગામી એક-બે દિવસમાં દેશભરના મીડિયા પ્રતિનિધિઓને બંગલાની મુલાકાત કરાવવામાં આવશે.
પ્રવેશ વર્માએ પૂર્વ સરકાર પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે કયારેય સરકારી બંગલો કે ગાડી ન લેવાના દાવા કરનારા નેતાએ આ આલીશાન બંગલો બનાવવા માટે આસપાસના અનેક બંગલા તોડી પાડ્યા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે અગાઉ માત્ર એક જ ઓરડો બતાવીને ડૉ. બાબાસાહેબ આંબેડકર અને શહીદ ભગતસિંહની તસવીરો રજૂ કરાતી હતી, પરંતુ અંદરની વાસ્તવિકતા છુપાવવામાં આવતી હતી. હવે જનતા પોતે અંદર જઈને સ્માર્ટ લાઇટ્સ, મોંઘા પડદા, વિયેતનામી માર્બલ અને બાંધકામમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર તેમજ અનિયમિતતાઓને નજરે જોઈ શકશે.
આ દરમિયાન મંત્રીએ આમ આદમી પાર્ટીના વિરોધ અને યમુના નદીના મુદ્દે પણ વળતો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં નિષ્ફળ ગયેલા લોકો આજે સરકારના કામ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે બુરારી વિસ્તારમાં રસ્તા અને ડ્રેનેજ સુધારવા માટે રૂ. ૧૫૦ કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. સૌરભ ભારદ્વાજ દ્વારા યમુનાનું પાણી પીવાના પડકાર અંગે વર્માએ સ્પષ્ટતા કરી કે દિલ્હીની હદમાં યમુનામાં કોઈ ફીણ નથી અને ૨,૫૦૦ ઘાટ પર છઠ પૂજાના ભવ્ય આયોજનથી વિપક્ષ અકળાયો છે; ફીણની સમસ્યા ઓખલા બેરેજ બાદ ઉત્તર પ્રદેશની સરહદમાં જોવા મળે છે, જેના ઉકેલ માટે યુપી સરકાર અને નિષ્ણાતો સાથે મળીને કામગીરી ચાલી રહી છે
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
