News of Wednesday, 29th April 2026
કેજરીવાલનો 'માસ્ટરસ્ટ્રોક' કે મજબૂરી? રાઘવના બળવા વચ્ચે ન્યાયિક રણમેદાનમાં 'સત્યાગ્રહ'ની એન્ટ્રી
રાજઘાટ પર શક્તિ પ્રદર્શન, અદાલતી કાર્યવાહીનો બહિષ્કાર અને પંજાબ-ગુજરાતના બદલાતા સમીકરણો વચ્ચે આમ આદમી પાર્ટીનો અસ્તિત્વ ટકાવવા માટેનો મોટો દાવ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અત્યારે તેમના રાજકીય જીવનના સૌથી કઠિન તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ પંજાબમાં રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોના ભાજપમાં જોડાવાથી પાર્ટીના પાયા હચમચી ગયા છે, તો બીજી તરફ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્મા સામે તેમણે 'સત્યાગ્રહ' છેડીને ન્યાયિક લડાઈને સીધી જનતાની અદાલતમાં લઈ જવાનો દાવ ખેલ્યો છે. ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપના ક્લીન સ્વીપ વચ્ચે નર્મદામાં મળેલી જીત કેજરીવાલ માટે 'ડૂબતાને તણખલા' સમાન સાબિત થઈ છે.
અરવિંદ કેજરીવાલની વર્તમાન રણનીતિ 'મૌન અને શક્તિ પ્રદર્શન'નું મિશ્રણ છે. રાઘવ ચઢ્ઢાના આઘાતજનક પક્ષ પલટા પર સીધું નિવેદન આપવાને બદલે કેજરીવાલે મનીષ સિસોદિયા અને આતિશી સાથે રાજઘાટ પર બાપુના શરણ લઈ એક મોટું રાજકીય નિવેદન આપ્યું છે. રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો છે કે હજુ પણ ઘણા નેતાઓ તેમના સંપર્કમાં છે, જેની સામે કેજરીવાલે રાજઘાટ પર તમામ દિગ્ગજોને એકસાથે લાવીને પોતાની પકડ મજબૂત હોવાનો સંદેશ આપ્યો છે. સ્વાતિ માલીવાલ કેસની જેમ જ અહીં પણ કેજરીવાલે મૌન રહીને સંજય સિંહને મોરચો સંભાળવા આગળ કર્યા છે.
બીજો મહત્વનો મોરચો દિલ્હી હાઈકોર્ટમાં ખુલ્યો છે. જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્મા દ્વારા રિક્લુઝલ (કેસમાંથી હટી જવાની) અરજી ફગાવી દેવાતા, કેજરીવાલે ગાંધીવાદી માર્ગે 'સત્યાગ્રહ'ની જાહેરાત કરી છે. તેમણે અને મનીષ સિસોદિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે આ કોર્ટમાં ન તો પોતે હાજર રહેશે કે ન તો તેમના વકીલ દલીલ કરશે. "ન્યાય માત્ર થવો જોઈએ નહીં, પણ થતો દેખાવો જોઈએ" તેવા નારા સાથે આપ નેતાઓએ ન્યાયાધીશના પક્ષપાત અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ પગલું કાનૂની જોખમ હોવા છતાં, જનતામાં 'વિક્ટિમ કાર્ડ' ખેલવાની કેજરીવાલની જૂની અને જાણીતી રણનીતિનો ભાગ છે.
ગુજરાતના રાજકારણમાં પણ કેજરીવાલ માટે મિશ્ર સંકેતો છે. 2026ની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો જીતી લીધી છે અને સુરતમાં 'આપ'નો ગઢ ધરાશાયી થયો છે. જોકે, આદિવાસી નેતા ચૈતર વસાવાના નેતૃત્વમાં નર્મદા જિલ્લા પંચાયત અને 12 તાલુકા પંચાયતોમાં 'ઝાડુ' ફરતા કેજરીવાલને આશાનું કિરણ દેખાયું છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં બેઠકોની સંખ્યા 45 થી વધીને 407 પર પહોંચવી એ કેજરીવાલ માટે પંજાબના સંકટ વચ્ચે મોટી રાહત છે. હવે જોવાનું એ રહેશે કે 'ન્યાયધીશ સામે સત્યાગ્રહ' અને 'રાઘવ પર મૌન' તેમને આગામી પંજાબ અને દિલ્હીની લડાઈમાં કેટલો ફાયદો કરાવે છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
