<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

મેટા સામે કેરળ સરકારનો હંટર: CMO પેજ પરથી હટાવાયેલી વિવાદાસ્પદ પોસ્ટ્સ આખરે પુનઃસ્થાપિત કરાઈ

સોશિયલ મીડિયા દિગ્ગજની મનમાની સામે સરકારની લાલ આંખ; ઓણમ ભથ્થા અને પયગંબર જયંતીની પોસ્ટ ડીલીટ થતા ઉઠ્યા ગંભીર સવાલો

તિરુવનંતપુરમ : કેરળના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા કરવામાં આવેલા મજબૂત કાનૂની અને રાજકીય હસ્તક્ષેપ બાદ શનિવારે સોશિયલ મીડિયા દિગ્ગજ કંપની મેટા (META) દ્વારા 'CMO કેરળમ' સત્તાવાર ફેસબુક પેજ પરથી અગાઉ કોઈપણ પૂર્વ સૂચના વગર મનસ્વી રીતે દૂર કરવામાં આવેલી બે મહત્વપૂર્ણ સત્તાવાર પોસ્ટ્સને આખરે પુનઃસ્થાપિત કરવામાં આવી છે.

આ સમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે સરકારી પેજ પરથી આશા કાર્યકરો માટે ઓણમ તહેવારના વિશેષ ભથ્થાની જાહેરાત તેમજ પયગંબર દિવસની શુભેચ્છાઓ પાઠવતી બે સત્તાવાર પોસ્ટ્સ અચાનક ગાયબ થઈ ગઈ હતી, જેને લઈને સરકારી વર્તુળોમાં ભારે હડકંપ મચી ગયો હતો અને સોશિયલ મીડિયાની કામગીરી સામે સીધા સવાલો ખડા થયા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ રતન યુ. કેલકરે તાત્કાલિક ધોરણે મેટા (META) તેમજ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને સત્તાવાર પત્ર લખીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને આ મામલે સ્પષ્ટતા માંગી હતી કે સરકારી ચકાસાયેલ પેજ પરથી કન્ટેન્ટ હટાવવા પાછળ કોઈ ઓટોમેટેડ સિસ્ટમની ભૂલ હતી કે પછી તેને મેન્યુઅલી હટાવાયું હતું.

આ મામલે સંતોષકારક જવાબ મેળવવા માટે CMO દ્વારા આઈટી (IT) કાયદા હેઠળ કડક ખુલાસાની માંગણી કરવામાં આવી છે, જ્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને ડિજિટલ પ્લેટફોર્મ પર સરકારી સંસ્થાઓની અભિવ્યક્તિ સુરક્ષિત રહે તે માટે કેન્દ્ર સરકાર સમક્ષ પણ આ મામલો સખ્તાઈથી ઉઠાવવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

(10:47 AM IST)