તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
કેન્સરની મોંઘી દવાઓ પર અંકુશ લાવવા કેરળ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો: પેટન્ટ કાયદાનો ઉપયોગ કરી જીવનરક્ષક દવાઓ સસ્તી બનાવવા કેન્દ્ર સરકારને આપ્યો માર્ગદર્શક નિર્દેશ!
સ્તનના કેન્સરની ₹૭૮,૦૦૦ પ્રતિ માસની દવાની અરજી પરથી શરૂ થયેલા સુઓ મોટુ કેસમાં કોર્ટનો આદેશ: પેટન્ટ્સ એક્ટની કલમ ૧૦૦ હેઠળ સરકાર બિન-વ્યાવસાયિક ઉત્પાદન કરી સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવી શકે છે.

કોચી : જીવનરક્ષક દવાઓની અસહ્ય મોંઘી કિંમતોથી પડાતા ગંભીર બીમારીઓના દર્દીઓ માટે કેરળ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને આશાસ્પદ અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો કોઈ પેટન્ટ ધરાવતી દવાઓ અત્યંત ઊંચા ભાવે વેચાતી હોય અને સામાન્ય દર્દીઓની પહોંચ બહાર હોય, તો કેન્દ્ર સરકાર 'પેટન્ટ્સ એક્ટ, ૧૯૭૦'ની કલમ ૧૦૦ ની જોગવાઈઓનો ઉપયોગ કરી શકે છે. આ કલમ હેઠળ સરકાર દેશહિતમાં આવી દવાઓનું સરકારી કે બિન-વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન કરાવીને જરૂરિયાતમંદ દર્દીઓને સસ્તા દરે ઉપલબ્ધ કરાવી શકે છે.
જસ્ટિસ હરિસંકર વી. મેનને 'સુઓ મોટુ' તપાસ અંગે ચુકાદો આપતાં નોંધ્યું હતું કે પેટન્ટ ધરાવતી દવાઓ અફોર્ડેબલ છે કે નહીં તે અંગે પૂરતા આંકડા એકત્રિત કરીને કલમ ૧૦૦ નો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાનું કામ કેન્દ્ર સરકારનું છે. આ કેસની શરૂઆત જૂન ૨૦૨૨માં સ્તનના કેન્સરથી પીડિત એક મહિલા દર્દીની અરજીથી થઈ હતી, જેમણે નોવાર્ટિસ કંપનીની 'રિબોસિકલિબ' (Ribociclib) નામની દવા પરવડે તેવા ભાવે મેળવવા દાદ માંગી હતી. જે-તે સમયે આ દવાની કિંમત દર મહિને ₹૭૫,૦૦૦ થી ₹૭૮,૪૬૮ જેટલી અધધ હતી.
કેસની સુનાવણી દરમિયાન સપ્ટેમ્બર ૨૦૨૨માં મૂળ અરજદારનું અવસાન થયું હોવા છતાં, હાઈકોર્ટે જાહેર હિત ધ્યાને રાખીને 'In Re Exorbitant Pricing of Life Saving Patented Medicines' શીર્ષક હેઠળ આ સુઓ મોટુ કેસ ચાલુ રાખ્યો હતો. કોર્ટે મેડિકલ નિષ્ણાતો અને DCGI ની સલાહ બાદ સ્પષ્ટ કર્યું હતું કે કેન્સરની અન્ય સસ્તી દવાઓ (જેમ કે પાલ્બોસિકલિબ) અને રિબોસિકલિબ એકબીજાના વિકલ્પ તરીકે વાપરી શકાતી નથી. એમિકસ ક્યુરીએ પણ રજૂઆત કરી હતી કે કેન્સરની મોંઘી સારવાર અને દવાઓના ખર્ચને કારણે દર્દીઓને સંપત્તિઓ વેચવી કે દેવું કરવું પડે છે. કોર્ટે આ નિર્ણય દ્વારા નવીનતાનું રક્ષણ કરવા અને જીવનરક્ષક સારવારને દરેક દર્દી સુધી પહોંચાડવા વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાની દિશા ચીંધી છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
