<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ચેક બાઉન્સ કેસમાં સજા પડતા કેરળના ધારાસભ્યની ખુરશી જોખમમાં: મણિ સી. કપ્પનને ગેરલાયક ઠેરવવા હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ!

મુંબઈની કોર્ટે ચાર ચેક બાઉન્સના કેસમાં ૩.૫ વર્ષની જેલ ફટકાર્યા બાદ કાયદાકીય શિકંજો કસાયો; ચૂંટણી પંચ પાસે પાલા બેઠક ખાલી જાહેર કરી પેટાચૂંટણી યોજવા માંગ.

તિરુવનંતપુરમ : કેરળના રાજકારણમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં પાલા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મણિ સી. કપ્પન પોતાની ધારાસભ્યની ખુરશી ગુમાવે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ચાર અલગ-અલગ ચેક બાઉન્સ કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા બાદ હવે તેમને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની માંગ સાથે કેરળ હાઈકોર્ટમાં એક મહત્વપૂર્ણ રિટ અરજી દાખલ કરવામાં આવી છે.

 

આ સમગ્ર વિવાદ ૧૯ નવેમ્બર, ૨૦૧૩ના રોજ થયેલા એક નાણાકીય કરાર અને ત્યારબાદ જારી કરાયેલા કરોડો રૂપિયાના ચેક સાથે જોડાયેલો છે. ફરિયાદી દિનેશ મેનન દ્વારા દાખલ કરાયેલા કેસમાં ૧ સપ્ટેમ્બરના રોજ મુંબઈના બોરીવલી સ્થિત એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે કપ્પનને ₹૭૫ લાખ, ₹૧ કરોડ, ₹૧ કરોડ અને ₹૫૦ લાખ (કુલ ₹૩.૨૫ કરોડ) ના ચાર ચેક બાઉન્સ કેસમાં દોષિત ઠેરવીને સાડા ત્રણ વર્ષ (૩.૫ વર્ષ) ની જેલની સજા ફટકારી હતી.

 

હાઈકોર્ટમાં દાખલ અરજી અનુસાર, અરજદારે કેરળ વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) અને ભારતના ચૂંટણી પંચને કપ્પનને ૧ સપ્ટેમ્બરથી જ ગેરલાયક ઠેરવવા, પાલા વિધાનસભા બેઠક ખાલી જાહેર કરવા અને તાત્કાલિક પેટાચૂંટણી પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જો કોઈ લોકપ્રતિનિધિને ૨ વર્ષ કે તેથી વધુ સમયની સજા થાય તો તેનું સભ્યપદ રદ થવાપાત્ર બને છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની સુનાવણી આગામી સપ્તાહે હાઈકોર્ટમાં થવાની શક્યતા છે.

(7:06 PM IST)