News of Sunday, 28th June 2026
કેતન અગ્રવાલ હત્યા કેસનું 'ઉદયપુર કનેક્શન': આરોપી સિયા અને ચેતને રચી હતી ડેસ્ટિનેશન વેડિંગની ખતરનાક સાજીશ
પુણેના હાઇ-પ્રોફાઇલ મર્ડર કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો; મંગેતરના પૈસે વૈભવી લગ્નનું સપનું જોતી સિયા અને ચેતને ઉદયપુર ટ્રિપ દરમિયાન રચ્યો હતો હત્યાનો પ્લાન.

પુણે :પુણેના ચકચારભર્યા કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે, જેમાં હત્યાનું કાવતરું ઉદયપુરની વૈભવી ડેસ્ટિનેશન વેડિંગ ટ્રીપ સાથે જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે. મુખ્ય આરોપી સિયા ગોયલે તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરી સાથે મળીને કેતનના પૈસે ઉદયપુરના 'અનંતા રિસોર્ટ'માં લગ્નનું આયોજન કર્યું હતું અને પોલીસને શંકા છે કે આ જ ટ્રિપ દરમિયાન કેતનની હત્યાનો અસલી પ્લાન ઘડવામાં આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું છે કે સિયાએ જાન્યુઆરીમાં ચેતન અને અન્ય મિત્રો સાથે પાંચ દિવસની ઉદયપુર-જોધપુરની મુલાકાત લીધી હતી, જે બાદ તેણે કેતન સાથે ફેબ્રુઆરીમાં સગાઈ કરી હોવા છતાં ચેતન સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. કેતનના નાણાંથી આશરે પાંચ કરોડના બજેટમાં વૈભવી લગ્ન માટે રિસોર્ટ બુક કરવામાં આવ્યો હતો, પરંતુ સિયા અને ચેતનની આ ગુપ્ત મુલાકાત અને રિસોર્ટના આગ્રહ પાછળનો હેતુ કેતનની હત્યાનો કાવતરું હોવાનું પોલીસનું માનવું છે.
પુણે પોલીસ હાલમાં બંને આરોપીઓના મોબાઈલ લોકેશન, ડિજિટલ પુરાવા અને ટ્રિપ દરમિયાન થયેલી કોલ ડિટેલ્સની ઝીણવટભરી તપાસ કરી રહી છે. ચેતન ચૌધરી, જે મૂળ જોધપુરનો વતની છે, તે સિયા સાથે લાંબા સમયથી સંપર્કમાં હોવાથી આ સમગ્ર ઘટનાને સુનિયોજિત અપરાધના ભાગ રૂપે જોવામાં આવી રહી છે. સિયા અને ચેતનની ઉદયપુર એરપોર્ટ પર થયેલી સાથેની હાજરી પણ આ કેસમાં એક મજબૂત કડી તરીકે ઉભરી આવી છે.
હવે પોલીસ આ ટ્રિપમાં સામેલ અન્ય મિત્રોની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે અને હત્યા પહેલાના તમામ ડિજિટલ પુરાવાઓને એકત્રિત કરી રહી છે. કેતનની હત્યા પાછળ આર્થિક લાભ અને અંગત સંબંધોનું ગઠબંધન હોવાની દિશામાં પોલીસ તપાસ તેજ બની છે, જે આવનારા સમયમાં આ હાઈ-પ્રોફાઈલ હત્યા કેસના તમામ પડદા ઉઠાવશે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
