<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ખડગેના ‘મોદી કા બાપ ભી જાયેગા’ નિવેદનથી દેશભરમાં રાજકીય ભૂકંપ : કોંગ્રેસ અધ્યક્ષ સામે પોલીસ ફરિયાદ, આજે તમામ રાજ્યોના મુખ્ય મથકો ઉપર ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

પટણાની સભામાં થયેલી ટિપ્પણી સામે અમિતભાઈ અને નીતિન નવીનનો આકરો પ્રહાર : ભાજપે માફીની માગ કરી : કોંગ્રેસનો ખુલાસો, મોદીના ‘વૈચારિક પિતા’ સંઘનો ઉલ્લેખ હતો : સભામાં બૂમ પાડનાર યુવકે પોતાને કોંગ્રેસી ગણાવ્યો : કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ ખુલાસો કર્યો કે સભામાં એક વ્યક્તિએ પહેલાં ખડગેના પિતા વિશે અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતા: ખેરાના જણાવ્યા પ્રમાણે ખડગેનો ઇશારો વડાપ્રધાનના સ્વર્ગસ્થ પિતા તરફ નહીં, પરંતુ તેમના ‘વૈચારિક પિતા’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફ હતો: જોકે ભાજપે આ ખુલાસાને સ્વીકાર્યો નથી

નવી દિલ્હી-પટણા, તા. ૨૬ : બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રીકૃષ્ણ સિંહની જન્મજયંતિના કાર્યક્રમમાં ખડગેના નિવેદનથી હોબાળો : પટણાના કોતવાલી પોલીસ મથકે ભાજપ નેતાની લેખિત ફરિયાદ : તમામ રાજ્યોના મુખ્ય મથકોએ વિરોધની જાહેરાત, પટણામાં પૂતળાદહનનો કાર્યક્રમ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે દેશભરમાં રાજકીય ઘમાસાણ મચ્યું છે. ભાજપે આ નિવેદનને વડાપ્રધાનના સ્વર્ગસ્થ પિતાનું અપમાન ગણાવી આજે સોમવારે દેશભરના તમામ રાજ્ય મુખ્ય મથકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ પટણાના કોતવાલી પોલીસ મથકમાં ખડગે વિરુદ્ધ લેખિત ફરિયાદ આપવામાં આવી છે.

રવિવારે પટણાના બાપુ સભાગારમાં બિહારના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. શ્રીકૃષ્ણ સિંહની ૧૩૯મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. ખડગે મતદારયાદીના વિશેષ સઘન સુધારણા કાર્યક્રમમાં કથિત ગેરરીતિઓ અને કેન્દ્ર સરકારની નીતિઓ અંગે બોલી રહ્યા હતા. દરમિયાન સભામાંથી એક વ્યક્તિએ ‘મોદી નહીં જાય’ તેવી બૂમ પાડતાં ખડગેએ જવાબમાં ‘મોદી કા બાપ ભી જાયેગા’ કહી દીધું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવતાં વિવાદ વકર્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે એક્સ ઉપર આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે રાજકીય શિષ્ટાચારની તમામ મર્યાદાઓ તોડી નાખી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આ નિવેદનને કોંગ્રેસની વૈચારિક નાદારીનું પ્રતીક ગણાવ્યું હતું. ભાજપે ખડગે પાસેથી બિનશરતી માફીની માગ કરી છે.

બિહાર ભાજપની પ્રદેશ કાર્યસમિતિના સભ્ય કૃષ્ણ સિંહ કલ્લુએ પટણાના કોતવાલી પોલીસ મથકે ફરિયાદ આપી છે. તેમાં વડાપ્રધાન અને તેમના સ્વર્ગસ્થ પિતા વિશે અપમાનજનક ભાષા વાપર્યાનો આરોપ મૂકી તપાસ તથા કાયદેસરની કાર્યવાહીની માગ કરાઈ છે. 

ભાજપે આજે બિહારની રાજધાની પટણાના ઇન્કમટેક્સ સર્કલ ખાતે ખડગેનું પૂતળું બાળવાનો કાર્યક્રમ પણ જાહેર કર્યો છે.

દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ ખુલાસો કર્યો કે સભામાં એક વ્યક્તિએ પહેલાં ખડગેના પિતા વિશે અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતા. ખેરાના જણાવ્યા પ્રમાણે ખડગેનો ઇશારો વડાપ્રધાનના સ્વર્ગસ્થ પિતા તરફ નહીં, પરંતુ તેમના ‘વૈચારિક પિતા’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફ હતો. જોકે ભાજપે આ ખુલાસાને સ્વીકાર્યો નથી.

સમગ્ર વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સભામાં બૂમ પાડનાર સંતોષકુમારે પોતાને કોંગ્રેસી ગણાવતાં જણાવ્યું કે તેઓ કહેવા માગતા હતા કે દેશમાં જોરદાર જનવિરોધ ઊભો નહીં થાય ત્યાં સુધી મોદી સત્તા પરથી નહીં જાય. તેમના કહેવા પ્રમાણે અધૂરું વાક્ય સાંભળવાથી ગેરસમજ સર્જાઈ હતી. સંતોષકુમારે આરોપ લગાવ્યો કે તેમને ભાજપનો કાર્યકર સમજીને કેટલાક લોકોએ માર માર્યો હતો. આમ, સભામાં બૂમ પાડનારની ઓળખ અને તેમણે ઉચ્ચારેલા શબ્દોના અર્થ વિશે પણ પરસ્પર વિરોધી દાવા સામે આવ્યા છે.

(1:36 PM IST)