તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
ઉત્તર પ્રદેશના ઓરાઈમાં ખાખી વર્ધી શર્મસાર! ભાજપ કાર્યકર્તાને રૂમમાં પૂરીને 'નાગિન ડાન્સ' કરાવનારા રામપુરા થાણા ઈન્ચાર્જ લાઈન હાજર: એસપીની આકરી કાર્યવાહી
૨૦ થેલી સિમેન્ટની લાંચ ન આપતા ભાજપ નેતા સાથે કરાઈ બર્બરતા: આતા પોલીસ મથકના અધિકારી સામે પણ મહિલા કોન્સ્ટેબલે લગાવ્યા ચોંકાવનારા ગંભીર આરોપો

ઓરાઈ (ઉત્તર પ્રદેશ) : ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લાના ઓરાઈ વિસ્તારમાંથી પોલીસની દાદાગીરી અને શરમજનક વર્તનનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રામપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શિવપ્રકાશ સિંહ પર ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાને રૂમમાં બંધ કરી, અભદ્ર વર્તન કરી બળજબરીપૂર્વક 'નાગિન ડાન્સ' (સાપ ડાન્સ) કરાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. મામલો ગરમાતાં અને ભાજપ કાર્યકર્તાની લેખિત ફરિયાદ મળતાં જ પોલીસ અધિક્ષક (SP) વિનય કુમાર સિંહે તાત્કાલિક અસરથી થાણા ઈન્ચાર્જ શિવપ્રકાશ સિંહે લાઈન હાજર કરી દીધા છે અને તેમના સ્થાને કે.પી. સરોજને રામપુરા પોલીસ સ્ટેશનની કમાન સોંપી છે.
ભાજપના કાર્યકર્તા દિનેશ મિશ્રાએ એસપીને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે બે દિવસ પહેલાં તેમની સાથે કામ કરતા એક યુવકની પોલીસે દારૂ પીધેલી હાલતમાં અટકાયત કરી હતી. તેને છોડાવવા માટે જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે સ્ટેશન ઈન્ચાર્જે તેમની પાસે ૨૦ થેલી સિમેન્ટની માંગણી કરી હતી. દિનેશ મિશ્રાએ લાંચ આપવાની સ્પષ્ટ ના પાડતા ઈન્ચાર્જ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમને એક રૂમમાં બંધ કરી, ગાળો આપીને બળજબરીથી નાગિન ડાન્સ કરાવ્યો હતો. આટલું જ નહીં, ફરિયાદ કરવા પહોંચેલા મંડળ પ્રમુખ સંતોષ પ્રજાપતિને પણ રાત્રે પોલીસ મથકે બોલાવીને આવી જ ધમકી આપવામાં આવી હોવાનો આરોપ છે.
મહિલા કોન્સ્ટેબલે પણ અધિકારી સામે મોરચો માંડ્યો
બીજી તરફ, ઓરાઈ જિલ્લાના જ આતા પોલીસ સ્ટેશનમાંથી પણ ખાખીને દાગ લગાડતી અન્ય એક ઘટના સામે આવી છે. ત્યાં તૈનાત અને કમ્પ્યુટર વિભાગમાં કાર્યરત એક મહિલા કોન્સ્ટેબલે સ્ટેશનના એક અધિકારી પર અભદ્ર વર્તન, ગાળાગાળી અને હુમલાનો પ્રયાસ કરવાનો ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. ૧૮ સપ્ટેમ્બરના રોજ બનેલી આ ઘટના અંગે મહિલા કોન્સ્ટેબલે એસપી કચેરી પહોંચીને ન્યાયની ગુહાર લગાવી છે. એસપી વિનય કુમાર સિંહે બંને કિસ્સામાં તટસ્થ તપાસ હાથ ધરીને દોષિત પોલીસ અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
