News of Tuesday, 28th April 2026
પંજાબમાં લોહીની હોળી ખેલવાનું ખાલિસ્તાની કાવતરું: પટિયાલા રેલવે ટ્રેક વિસ્ફોટ પાછળ જર્મન કનેક્શન ખુલ્યું
રેલવે ટ્રેકને ઉડાવી દેવાના મનસૂબા સાથે આવેલો આતંકી પોતે જ બોમ્બ વિસ્ફોટમાં ચીંથરેહાલ થયો : પટિયાલા પોલીસે માત્ર 12 કલાકમાં સરહદ પારના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરી 4 ખતરનાક આતંકીઓને દબોચ્યા

પટિયાલા: પંજાબના પટિયાલામાં સોમવારે રાત્રે થયેલા એક ભયાનક રેલવે વિસ્ફોટે રાજ્યની સુરક્ષા એજન્સીઓના કાન ઉભા કરી દીધા છે. શંભુ-અંબાલા રેલવે રૂટ પર આવેલા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરને નિશાન બનાવીને કરવામાં આવેલા આ હુમલાની જવાબદારી ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) એ સ્વીકારી છે. આ ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ જર્મનીમાં બેઠેલો આતંકી જસવિંદર મુલતાની હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના એટલી ભયાનક હતી કે જે આતંકી વિસ્ફોટ કરવા આવ્યો હતો, તે પોતે જ આ બોમ્બની ઝપેટમાં આવી ગયો અને તેના શરીરના અંગો રેલવે ટ્રેક પર વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા.
પટિયાલા પોલીસે આ મામલે વીજળીક ગતિએ કાર્યવાહી કરતા માત્ર 12 કલાકમાં આતંકવાદી મોડ્યુલના ચાર સભ્યોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં મોડ્યુલ લીડર પ્રદીપ સિંહ ખાલસા સહિત કુલવિંદર સિંહ, સતનામ સિંહ અને ગુરપ્રીત સિંહનો સમાવેશ થાય છે. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો, મિલિટરી ગ્રેડના હથિયારો, આઈઈડી (IED) બનાવવાની સામગ્રી અને વિદેશી હેન્ડલર્સ સાથે વાત કરવા માટેના લેપટોપ મળી આવ્યા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આતંકીઓ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને મલેશિયામાં બેઠેલા ખાલિસ્તાની આતંકીઓના સીધા સંપર્કમાં હતા.
વિસ્ફોટમાં માર્યા ગયેલા શંકાસ્પદની ઓળખ તરનતારનના જગરૂપ સિંહ તરીકે થઈ છે, જે ટ્રેકને ઉડાવીને મોટી જાનહાનિ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં ફ્રેઇટ કોરિડોર પર આ બીજો વિસ્ફોટ હોવાથી હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) આ મામલાની તપાસ સંભાળી શકે છે. રાજ્યના સ્પેશિયલ ડીજીપી શશી પ્રભા દ્વિવેદીએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આ સમગ્ર નેટવર્કને તોડી પાડવામાં સફળતા મળી છે. પંજાબમાં શાંતિ ડહોળવાના વિદેશી કાવતરાને પોલીસે સમયસર નિષ્ફળ બનાવ્યું છે, પરંતુ હજુ પણ સરહદ પારના જોખમો યથાવત છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
