<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

આજથી ખરમાસ સંપન્ન, ૨૦મી એપ્રિલથી રેલાશે શરણાઈના સૂર, જુલાઈ સુધી લગ્નના ૩૮ મુહૂર્ત

એક મહિનાથી ચાલી રહેલાં ખરમાસ એટલે કે કમૂર્તા પૂર્ણ થઈ ગયાઃ ભલે આજે ખરમાસ પૂરો થયો હોય પણ લગ્નનું પહેલું મુહૂર્ત તો ૬ દિવસ બાદનું જ છે.

નવી દિલ્‍હી,તા.૧૪: આજે એટલે કે ૧૪મી એપ્રિલ, ૨૦૨૬ના રોજ ગ્રહોના રાજા સૂર્યએ મેષ રાશિમાં ગોચર કરતાં જ એક મહિનાથી ચાલી રહેલાં ખરમાસ એટલે કે કમૂર્તા પૂર્ણ થઈ ગયા છે. હિન્‍દુ ધર્મમાં ખરમાસ દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે, તેથી લોકો લાંબા સમયથી લગ્નના શુભ મુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા.

મુંબઈના એક જાણીતા જ્‍યોતિષાચાર્ય ના જણાવ્‍યા અનુસાર ૧૪મી એપ્રિલના રોજ સવારે ૧૧.૪૫ કલાકે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશતા જ માંગલિક કાર્યો પરનો પ્રતિબંધ હટી ગયો છે. ૨૦ એપ્રિલથી વિધિવત રીતે લગ્નના મુહૂર્ત શરૂ થઈ રહ્યા છે. જોકે, ભલે આજે ખરમાસ પૂરો થયો હોય પણ લગ્નનું પહેલું મુહૂર્ત તો ૬ દિવસ બાદનું જ છે. આનો અર્થ એવો છે કે પૈણું પૈણું કરી રહેલાં વરઘોડિયાઓએ હજી થોડી રાહ તો જોવી પડશે.

બનારસી પંચાંગ મુજબ આ વર્ષે લગ્નના કુલ ૩૮ શુભ મુહૂર્ત છે, જ્‍યારે મિથિલા પંચાંગ મુજબ ૨૧ જેટલા લગ્ન શુભ છે. પરિણામે એવી શક્‍યતા વ્‍યક્‍ત કરાઈ રહી છે કે આ દિવસોમાં મોટી સંખ્‍યામાં લગ્નો વગેરે શુભ કાર્ય સંપન્ન થશે.

ચાલો જોઈએ આ વર્ષે કયા મહિને કેટલા શુભ મુહૂર્ત છે-

એપ્રિલ, ૨૦૨૬: ૧૯,૨૦,૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ અને ૩૦મી એપ્રિલ

મે, ૨૦૨૬: ૧, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૧૨, ૧૩, ૧૪

જૂન, ૨૦૨૬: ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪, ૨૫, ૨૭, ૨૮, ૨૯

જુલાઈ, ૨૦૨૬: ૧, ૨, ૬, ૭, ૮, ૧૨

કેમ અત્‍યારે લગ્ન કરવા જરૂરી?

જુલાઈ મહિના બાદ ચાતુર્માસ શરૂ થઈ જશે, જેના કારણે ફરીથી ચાર મહિના સુધી માંગલિક કાર્યો પર બ્રેક લાગી જશે. તેથી, એપ્રિલથી જુલાઈ સુધીનો સમય લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન અને જનોઈ બદલાવવા જેવા શુભ તેમ જ માંગલિક કાર્યો કરવા માટે એકદમ ઉત્તમ સમય છે

(3:00 PM IST)