<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

સુપ્રીમ કોર્ટમાં ‘ખતના' પર ધમાસાણઃ શું ધાર્મિક આઝાદીના નામે માસૂમ બાળકીઓનું શારીરિક શોષણ યોગ્‍ય છે?

સબરીમાલા કેસની સાથે હવે દાઉદી વોહરા સમાજની સદીઓ જૂની FGM પ્રથા પર સુપ્રીમ કોર્ટની ૯ જજોની બેંચ કરશે અંતિમ ફેંસલો

નવી દિલ્‍હી, તા.૮: ભારતની સર્વોચ્‍ચ અદાલતમાં અત્‍યારે એક એવી કાનૂની લડાઈ ચાલી રહી છે જેની સીધી અસર હજારો મહિલાઓના જીવન અને તેમની શારીરિક સ્‍વાયત્તતા પર પડશે. દાઉદી વોહરા સમાજમાં પ્રચલિત ફિમેલ જેનિટલ મ્‍યુટિલેશન એટલે કે મહિલાઓના ખતનાની પ્રથા પર સુપ્રીમ કોર્ટની ૯ જજોની બંધારણીય પીઠ સમક્ષ ઉગ્ર દલીલો થઈ. સબરીમાલા મંદિરના પ્રવેશના વિવાદની સાથે જ હવે આ મુદ્દાને જોડવામાં આવ્‍યો છે, કારણ કે બંને કિસ્‍સાઓમાં મૂળ પ્રશ્‍ન એ જ છે કે, શું ધાર્મિક આઝાદી (આર્ટિકલ ૨૫-૨૬) માનવીય ગરિમા અને મૂળભૂત અધિકારો કરતા મોટી હોઈ શકે?

કોર્ટમાં અરજદારો વતી વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ હૃદયદ્રાવક દલીલો રજૂ કરતા જણાવ્‍યું હતું કે, આ પ્રથા માત્ર સાત વર્ષની નાની માસૂમ બાળકીઓ પર કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન તેમના શરીરના નાજુક અંગો સાથે જે છેડછાડ થાય છે તેની અસર કાયમી હોય છે અને તેને કયારેય સુધારી શકાતી નથી. લુથરાએ કોર્ટનું ધ્‍યાન દોર્યું કે આ પ્રથા મહિલાઓના જાતીય અને પ્રજનન સ્‍વાસ્‍થ્‍ય પર ગંભીર નકારાત્‍મક અસરો પાડે છે. આ માત્ર એક ધાર્મિક રિવાજ નથી, પરંતુ બાળકીઓના માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે.

બીજી તરફ, આ પ્રથાના સમર્થકોએ પોતાની આસ્‍થાનો બચાવ કરતા તેને ધર્મનું અભિન્ન અંગ ગણાવ્‍યું હતું. જોકે, આ ચર્ચામાં સૌથી મોટો વળાંક ત્‍યારે આવ્‍યો જ્‍યારે વકીલો દ્વારા કરવામાં આવેલી કેટલીક અજીબ દલીલો પર જસ્‍ટિસ ભડકયા હતા. જ્‍યારે વકીલે દાવો કર્યો કે આ પ્રથા યૌન સુખ વધારવા અથવા શિસ્‍ત જાળવવા માટે છે, ત્‍યારે કોર્ટે કડક વલણ અપનાવ્‍યું હતું. જસ્‍ટિસ જોયમાલ્‍ય બાગચીએ સ્‍પષ્ટ શબ્‍દોમાં ટિપ્‍પણી કરી કે આ મુદ્દે કોઈ જટિલ બંધારણીય અર્થઘટનની જરૂર નથી. બંધારણની કલમ ૨૫ હેઠળ ધાર્મિક આઝાદી ત્‍યારે જ મળે છે જ્‍યારે તે જાહેર વ્‍યવસ્‍થા, નૈતિકતા અને સ્‍વાસ્‍થ્‍યને નુકસાન ન પહોંચાડતી હોય.

અંતમાં, કોર્ટે સામાજિક દબાણના મુદ્દે પણ ચિંતા વ્‍યક્‍ત કરી હતી. ઘણી મહિલાઓ અને પરિવારો આ પ્રથાનો વિરોધ કરવા ઈચ્‍છે છે, પરંતુ તેમને ડર છે કે જો તેઓ આવું કરશે તો તેમને સમાજમાંથી બહિષ્‍કળત કરવામાં આવશે. હવે આખો મામલો અનિવાર્ય ધાર્મિક પ્રથા છે કે નહીં તેના પર આવીને અટકી ગયો છે. જો સુપ્રીમ કોર્ટ નક્કી કરે કે FGM સ્‍વાસ્‍થ્‍ય માટે હાનિકારક છે, તો ધાર્મિક આઝાદીનો તર્ક કામ નહીં કરે અને સદીઓ જૂની આ વિવાદાસ્‍પદ પ્રથા પર કાયમી પ્રતિબંધ લાગી શકે છે

(3:12 PM IST)