તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ટ્રમ્પના પત્રને ખોલ્યા વગર પરત મોકલી કિમ જોંગ ઉનનો અમેરિકાને સીધો પડકાર: પરમાણુ શક્તિ તરીકે માન્યતા આપવાની મૂકી આકરી શરત
કિમ જોંગ ઉને ટ્રમ્પના ફોન કોલ અને રાજદ્વારી સંદેશાઓને ફગાવી દઈને પોતાના અંદાજે ૬૦ પરમાણુ શસ્ત્રો તથા અમેરિકા સુધી પ્રહાર કરી શકે તેવી મિસાઇલોના જોરે વાટાઘાટો માટે પોતાની શરતો લાદી છે

ન્યૂ યોર્ક : વોલ સ્ટ્રીટ જર્નલ ના એક અહેવાલ મુજબ, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરીથી વાટાઘાટો શરૂ કરવાના પ્રયાસોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે ગયા વર્ષે કિમ જોંગ ઉનનો સંપર્ક કરવા માટે ફોન કર્યો હતો અને ન્યૂ યોર્ક સ્થિત ઉત્તર કોરિયાના યુએન મિશન દ્વારા એક પત્ર મોકલવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકી અધિકારીઓએ રસ્તામાં ઉત્તર કોરિયાના એક રાજદ્વારીને અટકાવીને આ પત્ર સોંપ્યો હતો, પરંતુ ચોંકાવનારી બાબત એ બની કે તે રાજદ્વારીએ બાદમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) ની બેઠકમાં અમેરિકી પ્રતિનિધિને તે પત્ર ખોલ્યા વિના જ પરત કરી દીધો હતો. આ ઘટના દર્શાવે છે કે કિમ જોંગ ઉન હવે અગાઉની જેમ અમેરિકા સાથે સીધી વાતચીત કરવા માટે ઉત્સુક નથી.
દરમિયાન, ઉત્તર કોરિયાએ તેની લશ્કરી અને પરમાણુ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કર્યો હોવાનું વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં જણાવાયું છે. ૨૦૧૮માં સિંગાપોર અને ૨૦૧૯માં વિયેતનામ તથા કોરિયન સરહદ પર ટ્રમ્પ અને કિમ વચ્ચે થયેલી ત્રણ મુલાકાતો સમયે ઉત્તર કોરિયા પાસે અંદાજે ૨૦ થી ૩૦ પરમાણુ શસ્ત્રો હોવાનું મનાતું હતું, જે સંખ્યા હવે વધીને લગભગ ૬૦ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત, ઉત્તર કોરિયાએ ઘન-બળતણ (સોલિડ-ફ્યુઅલ) આધારિત એવી નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો વિકસાવી છે જેને મોબાઇલ લોન્ચરથી ગમે ત્યારે છોડી શકાય છે અને તે લોસ એન્જલસ તથા ન્યૂ યોર્ક જેવા મુખ્ય અમેરિકી શહેરો સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
રશિયા સાથે વધેલી ગાઢ મિત્રતા અને પરસ્પર સંરક્ષણ કરારે પણ કિમ જોંગ ઉનની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. યુક્રેન યુદ્ધ દરમિયાન ઉત્તર કોરિયાએ રશિયાને રોકેટ અને આર્ટિલરી શેલ પૂરા પાડ્યા હોવાનું કહેવાય છે, જેના બદલામાં તેને રશિયા તરફથી મહત્વપૂર્ણ લશ્કરી અને તકનીકી સહાય મળી છે. આ બદલાયેલા ભૂ-રાજકીય સમીકરણો વચ્ચે કિમ જોંગ ઉને સ્પષ્ટ શરત મૂકી છે કે જો અમેરિકા ઉત્તર કોરિયાને એક પરમાણુ શક્તિ તરીકે માન્યતા આપે અને તેના પરમાણુ કાર્યક્રમને સ્વીકારે તો જ બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ શક્ય છે, અન્યથા સંઘર્ષની સ્થિતિ યથાવત રહેશે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
