News of Monday, 28th September 2026
રૂપિયા ૧,૦૦૦ કરોડની સંપત્તિ ધરાવતી કિમ કાર્દાશિયનને પેરિસ લૂંટ કેસમાં મળ્યું માત્ર ૧૦૯ રૂપિયાનું વળતર: જાણો આ ચોંકાવનારા નિર્ણય પાછળનું કાનૂની કારણ
'દાદા-ઉંમરના' સશસ્ત્ર લૂંટારુઓએ બંદૂકની અણીએ આચરી હતી ૫૦ કરોડની લૂંટ; પૈસા નહીં પરંતુ ન્યાય અને સિદ્ધાંત માટે ગ્લેમર ક્વીને માંગી હતી માત્ર ૧ યુરોની ટોકન રકમ

પેરિસ, તા.૨૮: ફ્રેન્ચ રાજધાની પેરિસની એક અદાલતે વૈશ્વિક ગ્લેમર આઈકોન, મોડેલ અને અબજોપતિ બિઝનેસવુમન કિમ કાર્દાશિયનને ૨૦૧૬ના ચર્ચિત પેરિસ લૂંટ કેસમાં માત્ર ૧ યુરો (આશરે ૧૦૯ રૂપિયા)નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આશરે ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની અથાક સંપત્તિની માલિક એવી પોપ્યુલર સ્ટારને આટલી નજીવી રકમ મળતાં શરૂઆતમાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, પ્રથમ દૃષ્ટિએ અપમાનજનક લાગતા આ અસામાન્ય ચુકાદા પાછળ એક ખૂબ જ મજબૂત નૈતિક અને કાનૂની કારણ રહેલું છે.
આ ભયાનક ઘટના ૨ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ પેરિસ ફેશન વીક દરમિયાન બની હતી. કિમ કાર્દાશિયન પેરિસની અત્યંત આલીશાન 'હોટેલ ડી પોર્ટલેસ' (Hotel de Pourtalès) ના લક્ઝરી રૂમમાં રોકાયા હતા. તે સમયે પોલીસ ગણવેશમાં સજ્જ થઈને આવેલા સશસ્ત્ર ધાડપાડુઓની એક ટોળકી અચાનક તેમના રૂમમાં ત્રાટકી હતી. લૂંટારુઓએ કિમ પર બંદૂક તાકી, તેમના હાથ-પગ ટેપ અને પ્લાસ્ટિક ઝિપ-ટાઈ વડે ક્રૂરતાપૂર્વક બાંધી દીધા હતા. ત્યારબાદ તેઓ કિમ પાસેથી ૫૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના રત્નો અને હીરાની અત્યંત કિંમતી વીંટી લૂંટીને ફરાર થઈ ગયા હતા, જે તેમણે આ ઘટનાના થોડા સમય પહેલા જ જીવેન્ચી (Givenchy) ફેશન શોમાં પહેરી હતી.
તપાસ દરમિયાન પેરિસ પોલીસને જાણવા મળ્યું કે આ હાઈ-પ્રોફાઈલ લૂંટ પાછળ ૬૦ થી ૭૦ વર્ષની વયના વરિષ્ઠ નાગરિકોની ટોળકી હતી, જેને ફ્રેન્ચ મીડિયાએ રમુજમાં 'લેસ પાપિસ બ્રેકર્સ' (Les Papis Braqueurs - દાદા-ઉંમરના લૂંટારુઓ) નામ આપ્યું હતું. કોર્ટે આખરે આ કેસમાં આઠ પુરુષોને દોષિત ઠેરવ્યા છે. બંદૂકની અણીએ થયેલી આ ઘટનાએ કિમ અને તેમના સ્ટાઈલિસ્ટ સિમોન હારુચને ભારે માનસિક આઘાત પહોંચાડ્યો હતો.
અબજોપતિ કિમ કાર્દાશિયન માટે આ લડાઈ નાણાં કમાવવાની નહોતી, પરંતુ પોતાના માનસિક ઉત્પીડન અને આઘાત (ટ્રોમા)ને સત્તાવાર કાનૂની સ્વીકૃતિ અપાવવાની હતી. આથી જ તેમણે અદાલત સમક્ષ માત્ર ૧ યુરોનું પ્રતીકાત્મક (Token) વળતર માંગ્યું હતું. ચુકાદા બાદ કિમ અને સિમોને 'એસોસિએટેડ પ્રેસ'ને આપેલા નિવેદનમાં જણાવ્યું કે આ નિર્ણય આર્થિક લાભ માટે નહીં, પરંતુ દોષિતોની જવાબદારી નક્કી કરવા માટે હતો. અદાલતે આ ઘટના વખતે બંદૂકની અણીએ બંધક બનાવાયેલા હોટેલના એક ભૂતપૂર્વ કર્મચારીને ૧ કરોડ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પૈસાને બદલે સત્ય અને નૈતિકતાની જીત માટે ૧ ડોલર કે ૧ પાઉન્ડ જેવી પ્રતીકાત્મક રકમ માંગવાની આવી ઘટના પ્રથમ નથી. આ અગાઉ પ્રખ્યાત અમેરિકન ગાયિકા ટેલર સ્વિફ્ટે ૨૦૧૭માં જાતીય સતામણીના કેસમાં ૧ ડોલર, અભિનેત્રી ગ્વિનેથ પેલ્ટ્રોએ ૨૦૨૩માં સ્કીઈંગ અકસ્માતમાં ૧ ડોલર અને મેઘન માર્કલે ખાનગી પત્ર લીક કેસમાં મીડિયા સામે માત્ર ૧ પાઉન્ડનું પ્રતીકાત્મક વળતર સ્વીકારીને ન્યાય મેળવ્યો હતો. કિમ કાર્દાશિયનનો આ નિર્ણય સાબિત કરે છે કે સત્ય અને સ્વાભિમાનની લડાઈ હંમેશા પૈસાથી ઘણી ઉપર હોય છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
