News of Wednesday, 25th November 2026
ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી મોંઘી વસ્તુઓ ખરીદતો બાદમા નકલી રિટર્ન રિક્વેસ્ટ મોકલતો : અમેરિકામાં રહેતા ગુજરાતી યુવક કિનિત પટેલનું ચતુરાઈભર્યું કૌભાંડ આખરે FBIએ પકડી પાડ્યું
ફેડરલ કોર્ટમાં વાયર ફ્રોડનો ગુનો કબૂલી લીધો : વધુમાં વધુ 20 વર્ષ સુધીની ફેડરલ જેલની સજા થવાનો ખતરો : પકડાવાથી બચવા માટે ઓર્ડર અને રિટર્ન માટે અલગ-અલગ નામ અને ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કરતો

વોશિંગ્ટન તા.૨૫ : અમેરિકામાં રહેતા ગુજરાતી યુવક કિનિત પટેલનું ચતુરાઈભર્યું કૌભાંડ આખરે FBIએ પકડી પાડ્યું છે, ફ્લોરિડાના બ્રેડેન્ટનમાં રહેતા 41 વર્ષીય કિનિત પટેલે સોમવારે ફેડરલ કોર્ટમાં વાયર ફ્રોડનો ગુનો કબૂલી લીધો છે, ગુનો કબૂલતાની સાથે જ તેને વધુમાં વધુ 20 વર્ષ સુધીની ફેડરલ જેલની સજા થવાનો ખતરો ઉભો થયો છે, હજુ તેની સજાની તારીખ નક્કી થઈ નથી, અમેરિકાના મિડલ ડિસ્ટ્રિક્ટ ઓફ ફ્લોરિડાના યુએસ એટર્ની ગ્રેગરી ડબલ્યુ. કેહોએ આ અંગેની જાહેરાત કરી હતી, પ્લી એગ્રીમેન્ટ મુજબ કિનિત પટેલે જાન્યુઆરી 2024થી ડિસેમ્બર 2025 સુધી એટલે કે લગભગ બે વર્ષ સુધી હોમ ડિપોને છેતર્યું હતું, તે પહેલા ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી મોંઘી વસ્તુઓ ખરીદતો હતો, ત્યારબાદ નકલી રિટર્ન રિક્વેસ્ટ મોકલતો હતો, જેમાં તે દાવો કરતો હતો કે વસ્તુ તૂટેલી આવી છે, ખોટી મોકલાઈ છે, મળી જ નથી કે ખોટી રીતે ડિલિવર થઈ છે, જ્યારે હકીકતમાં તે વસ્તુ પોતાની પાસે જ રાખી લેતો હતો, કેટલીક વખત તે પરતમાં સાવ સસ્તી અને અલગ જ વસ્તુ મોકલી દેતો હતો, તો કેટલીક વખત કંઈ જ પરત મોકલતો ન હતો, આમ છતાં તેને રિફંડ મળી જતું હતું, એટલે કે માલ પણ તેનો અને પૈસા પણ તેના, પકડાવાથી બચવા માટે તેણે ઓર્ડર કરવા અને રિટર્ન મોકલવા માટે અલગ-અલગ નામ અને ઈ-મેઈલ આઈડીનો ઉપયોગ કર્યો હતો, આ રીતે તેણે સેંકડો નકલી રિટર્ન રિક્વેસ્ટ મોકલી હતી, તપાસમાં આ આખું કૌભાંડ બહાર આવતા FBIએ તેને ઝડપી લીધો હતો, હવે તેને કેટલી સજા થશે તે ફેડરલ જજ નક્કી કરશે, આ કેસ અમેરિકામાં રહેતા ભારતીયો માટે પણ ચેતવણી સમાન છે કે ઓનલાઈન રિટર્ન-રિફંડનો દુરુપયોગ કરવો પણ ગંભીર ફેડરલ ગુનો છે, જેની સજા 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
