<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

મોબાઈલ દીવાલ પર પછાડી દો: ડિજિટલ ધરપકડના કૌભાંડો પર CJIની લાલ આંખ : હવે બેંકો પણ ચૂકવવું પડશે વળતર!

સુપ્રીમ કોર્ટની બેંકોને સખત તાકીદ: જો ગ્રાહકોની રકમ ડૂબે તો બેંકોએ ચૂકવવું પડશે પૂરેપૂરું વળતર : AI અને ઓટોમેટિક સિસ્ટમથી શંકાસ્પદ વ્યવહારો અટકાવવા આદેશ

નવી દિલ્હી:  દેશમાં વધતી જતી 'ડિજિટલ ધરપકડ'  અને સાયબર ઠગાઈની ઘટનાઓ પર સુપ્રીમ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) એ આશ્ચર્ય વ્યક્ત કરતા હળવાશમાં એવું પણ કહ્યું કે, "જ્યારે કોઈ ઓનલાઈન ઠગ આવી ધમકી આપે ત્યારે મોબાઈલને સીધો દીવાલ પર પછાડી દેવો જોઈએ!" સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે માત્ર ઘટના પછી તપાસ કરવી પૂરતી નથી, પરંતુ છેતરપિંડી અટકાવવી અનિવાર્ય છે. કોર્ટે કડક આદેશ આપ્યો છે કે જો બેંકો કે નાણાકીય સંસ્થાઓ શંકાસ્પદ વ્યવહારો રોકવામાં કે યોગ્ય તપાસ કરવામાં નિષ્ફળ જશે, તો પીડિત ગ્રાહકોએ ગુમાવેલી પૂરેપૂરી રકમ બેંકોએ વળતર તરીકે ચૂકવવી પડશે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી પીઠે બેંકિંગ સિસ્ટમની બેદરકારી સામે લાલ આંખ કરતા કહ્યું કે બેંકો પાસે ગ્રાહકોના લેવડ-દેવડનો સંપૂર્ણ ડેટા હોવા છતાં તેઓ અસામાન્ય અને શંકાસ્પદ વ્યવહારોને રોકવામાં કેમ નિષ્ફળ જાય છે? કોર્ટે સૂચન કર્યું કે બેંકોએ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) આધારિત એવી સિસ્ટમ વિકસાવવી જોઈએ જે સામાન્ય નાની લેવડ-દેવડ કરનાર વ્યક્તિના ખાતામાંથી અચાનક મોટી રકમ ઉપડતી કે ટ્રાન્સફર થતી અટકાવે અને તાત્કાલિક ખાતાધારક કે નજીકના પોલીસ સ્ટેશનને ઓટોમેટીક એલર્ટ મોકલે. આ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા KYC સુધારા નિર્દેશો અને મ્યુલ એકાઉન્ટ્સ  ના દૂષણને ડામવા માટે કડક દંડાત્મક જોગવાઈઓ લાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

આ કેસની સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર. વેંકટરામણીએ જણાવ્યું કે સરકાર અને આરબીઆઈ કર્મચારીઓની વ્યક્તિગત જવાબદારી અને ફોજદારી કાર્યવાહી અંગે પણ વિચાર કરી રહી છે. બીજી તરફ, વોટ્સએપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટને માહિતી આપી હતી કે પ્લેટફોર્મ દ્વારા આવા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા ૯,૪૦૦થી વધુ શંકાસ્પદ ખાતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ડિજિટલ એરેસ્ટના કેસોમાં એફઆઈઆર અને તપાસની વિગતો રજૂ કરવા આદેશ આપ્યો છે, જેથી શિક્ષિત અને જાગૃત લોકો પણ આ પ્રકારે છેતરાતા અટકે અને સાયબર ગુનેગારોના નેટવર્કને જડમૂળથી નાબૂદ કરી શકાય.

(10:18 PM IST)