તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 24th October 2026
કોલકાતા એરપોર્ટ પર અફરાતફરી: ફુકેટથી આવેલી ફ્લાઇટના વોશરૂમના અરીસા પર લખેલું મળ્યું "પ્લેનમાં બોમ્બ છે" : મુસાફરોના શ્વાસ અધ્ધર!
સુરક્ષા એજન્સીઓ અને બોમ્બ સ્કવોડ દ્વારા વિમાનની સઘન તપાસ બાદ કશું શંકાસ્પદ ન મળતા રાહત : અગાઉ ૮ ઓક્ટોબરે પણ એરપોર્ટને ઉડાવી દેવાની મળી હતી ધમકી

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્ય હવાઈ મથક ગણાતા કોલકાતા એરપોર્ટ પર ફરી એકવાર બોમ્બની અફવા અને ધમકીને લઈને ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થાઈલેન્ડના ફુકેટથી મુસાફરોને લઈને કોલકાતા પરત ફરેલી એક ફ્લાઇટ જ્યારે સુરક્ષિત રીતે લેન્ડ થઈ, ત્યારે કેબિન ક્રૂ મેમ્બર્સ સફાઈ માટે શૌચાલયમાં ગયા હતા. તે દરમિયાન શૌચાલયના અરીસા પર લિપસ્ટિક કે કોઈ અન્ય વસ્તુથી "વિમાનમાં બોમ્બ છે" એવું અંગ્રેજીમાં લખેલું લખાણ નજરે પડતા ક્રૂ સભ્યોના હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક ધોરણે પાયલોટ તેમજ એરપોર્ટ સુરક્ષા અધિકારીઓને આ ગંભીર બાબતની જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ એરપોર્ટ પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને પ્રોટોકોલ મુજબ ત્વરિત પગલાં લેતા વિમાનને તરત જ રનવે પરથી ખસેડીને આઇસોલેશન બે માં લઈ જવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને કોઈ પણ જોખમ વિના સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા બાદ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF), બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સ્થાનિક એરપોર્ટ પોલીસે સંયુક્ત રીતે આખી ફ્લાઇટમાં ખૂણે-ખૂણે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. લાંબી તપાસ અને કડાકા ભરી જહેમત બાદ આખરે વિમાનમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વિસ્ફોટક સામગ્રી કે વસ્તુ મળી આવી નહોતી, જેના કારણે પ્રશાસન અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાથમિક તપાસમાં આ માત્ર અફવા ફેલાવવા કે ભય ઊભો કરવાના બદઇરાદાથી કરવામાં આવેલું કૃત્ય હોવાનું મનાઈ રહ્યું છે, અને પોલીસે ફ્લાઇટનું પેસેન્જર લિસ્ટ તથા એરપોર્ટના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી ચકાસણી શરૂ કરી દીધી છે જેથી આ ઘૃણાસ્પદ ચેડા કરનાર શખ્સને ઝડપી શકાય. ઉલ્લેખનીય છે કે કોલકાતા એરપોર્ટ માટે આ પ્રકારની ધમકીઓ નવી નથી; અગાઉ ગત ૮ ઓક્ટોબરે પણ એક ઈમેઈલ દ્વારા એરપોર્ટ પરિસરમાં વિસ્ફોટકો મૂક્યા હોવાની ધમકી આપવામાં આવી હતી, જ્યારે ૫ સપ્ટેમ્બરે પણ વિમાનમાં બોમ્બ હોવાની નકલી નોંધ મળી હતી. વારંવાર બનતી આવી ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થાને માત્ર ખલેલ પહોંચાડે છે, તેથી આવા અફવાબાજો સામે કડક દાખલારૂપ કાર્યવાહી કરવી અનિવાર્ય બની ગઈ છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
