<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

રામ લલ્લાના ખજાનામાં કુબેરની મહેર: ૪ વર્ષમાં ૧૩૦૦ કિલો ચાંદી : ૨૦ કિલો સોનું અને અબજોનું રોકડ દાન!

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જાહેર કર્યો દાનનો ચોંકાવનારો હિસાબ : માત્ર વર્ષ ૨૦૨૩-૨૪માં જ થઈ ₹૩૬૩ કરોડથી વધુની બમ્પર આવક : બેંકના વ્યાજમાંથી જ આવ્યા ₹૨૦૪ કરોડ

અયોધ્યા :  અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ બાદ ભક્તોની અતૂટ શ્રદ્ધા સોના-ચાંદી અને રોકડના રૂપમાં અનરાધાર વરસી રહી છે. તાજેતરમાં દાનપેટીમાંથી કથિત ઉચાપતના ખોટા આરોપો અને અફવાઓ વચ્ચે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે મીડિયા સમક્ષ સત્તાવાર આંકડા રજૂ કરીને તમામ શંકાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે આપેલા ચોંકાવનારા હિસાબ અનુસાર, છેલ્લા ચાર વર્ષના ગાળામાં (૨૦૨૦-૨૪) રામ લલ્લાના ચરણોમાં અંદાજે ૧૩૦૦ કિલો ચાંદી અને ૨૦ કિલો સોનું અર્પણ કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે રામભક્તોનું સમર્પણ માત્ર શબ્દો સુધી સીમિત નથી પણ અપ્રતિમ છે.

આ ચોંકાવનારા આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, માત્ર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં જ રામ લલ્લાને ₹૩૬૩ કરોડ ૩૪ લાખ (આશરે ૩.૬ અબજ રૂપિયા)ની બમ્પર આવક થઈ છે. આ અઢળક કમાણીમાં સૌથી મોટો સિંહફાળો બેંકોમાં સુરક્ષિત રાખવામાં આવેલી થાપણો પર મળેલા વ્યાજનો છે, જે આશરે ₹૨૦૪ કરોડ જેટલો થાય છે. આ ઉપરાંત, આધુનિક ટેકનોલોજીના જમાનામાં ડિજિટલ ક્રાંતિનો ક્રેઝ રામ મંદિરમાં પણ જોવા મળ્યો હતો, જ્યાં ભક્તોએ ઘરે બેઠા જ UPI અને નેટ બેંકિંગના માધ્યમથી ટ્રસ્ટના બેંક ખાતામાં રેકોર્ડબ્રેક ₹૭૧ કરોડ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા.

બાકીની રકમની વાત કરીએ તો, મંદિર સંકુલના ઓફિશિયલ કાઉન્ટર્સ પર ભક્તોએ ₹૫૩ કરોડ રોકડા જમા કરાવ્યા હતા, જ્યારે મુખ્ય દાનપેટી ખોલવામાં આવતા તેમાંથી ₹૨૪ કરોડ ૭૫ લાખની રોકડ પ્રાપ્ત થઈ હતી. એટલું જ નહીં, સાત સમુદ્ર પાર બેઠેલા વિદેશી રામભક્તોએ પણ પોતાની વફાદારી અને ઉદારતા દર્શાવી છે, જેનાથી FCRA ના માધ્યમથી અંદાજે ₹૧૧ કરોડનું વિદેશી હૂંડિયામણ ટ્રસ્ટના ખજાનામાં ઉમેરાયું છે. આ ભવ્ય અને પારદર્શક આંકડાઓ સાબિત કરે છે કે રામ મંદિર માટે વહેતું થયેલું આ દાન કરોડો શ્રદ્ધાળુઓના અતૂટ વિશ્વાસ અને આસ્થાનું જીવંત પ્રતીક છે.

(7:18 PM IST)