News of Monday, 19th October 2026
શાળાઓમાં માસિક સ્રાવ સ્વચ્છતાના અભાવ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: બંધારણીય અધિકારની અવગણના કરનાર રાજ્યોના મુખ્ય સચિવોને જેલ ભેગા કરવાની આપી કડક ચેતવણી
માસિક સ્રાવ સ્વચ્છતા એ અનુચ્છેદ ૨૧ હેઠળ જીવન અને ગૌરવનો મૂળભૂત અધિકાર હોવા છતાં પાલન અહેવાલ ન મોકલનાર રાજ્યો સામે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી, ચાર અઠવાડિયાનું આપ્યું અલ્ટીમેટમ

નવી દિલ્હી, તા.૧૯: દેશની શાળાઓમાં કિશોરીઓ માટે માસિક સ્રાવ સ્વચ્છતા (મેન્સ્ટ્રુઅલ હાઇજીન) અને પાયાની સુવિધાઓના ગંભીર અભાવ બાબતે સુપ્રીમ કોર્ટે લાલઘૂમ થઈને કેન્દ્ર અને રાજ્ય સરકારોને આડે હાથ લીધી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે માસિક સ્રાવ સ્વચ્છતા એ કોઈ દાન કે ઉદારતા નથી, પરંતુ ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ પ્રત્યેક નાગરિકનો મૂળભૂત અને કલ્યાણકારી અધિકાર છે. ચુકાદાના પાલન અંગે અહેવાલ ન આપનાર રાજ્યોની ઉદાસીનતા સામે કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
અગાઉ ૩૦ જાન્યુઆરીના રોજ આપેલા પોતાના ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે તમામ શાળાઓમાં મફત સેનિટરી નેપકિન્સ, વહેતા પાણીની સગવડવાળા શૌચાલયો, સેનિટરી કચરાના નિકાલ માટે ઇન્સિનેરેટર્સ અને અભ્યાસક્રમમાં માસિક સ્રાવ સ્વચ્છતાના શિક્ષણનો સમાવેશ કરવાના સ્પષ્ટ આદેશો આપ્યા હતા. જોકે, મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા આ આદેશોનંન પાલન કરવામાં ભારે બેદરકારી દાખવવામાં આવી છે અને કેન્દ્ર દ્વારા માંગવામાં આવેલા અહેવાલો પર પણ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, જે મહિલાઓના સ્વાસ્થ્ય અને ગૌરવ પ્રત્યેની સરકારોની માનસિકતા દર્શાવે છે.
સુપ્રીમ કોર્ટે કડક રૂખ અપનાવતા તમામ ડિફોલ્ટર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આગામી ચાર અઠવાડિયામાં વ્યાપક સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ સોગંદનામામાં શાળાઓમાં બજેટ ફાળવણી, નીતિઓનું નિર્માણ, સેનિટરી પેડ્સનું વિતરણ અને શૌચાલય નિર્માણની તમામ વિગતો ફરજિયાતપણે રજૂ કરવાની રહેશે. કોર્ટે કેન્દ્ર સરકારને પણ નિર્દેશ આપ્યો છે કે તેઓ તમામ રાજ્યોની યાદી તૈયાર કરે કે કયા રાજ્યોએ નિયમોનું પાલન કર્યું છે અને કયા રાજ્યોએ નથી કર્યું.
સુનાવણી દરમિયાન કોર્ટે અત્યંત ગંભીર ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી સુનાવણી સુધીમાં નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવે, તો તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને સીધા સમન્સ પાઠવીને અદાલતમાં હાજર રહેવા માટે આદેશ કરવામાં આવશે. એટલું જ નહીં, અદાલતના આદેશોની અવગણના કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક કાનૂની અને બળજબરીપૂર્વકના પગલાં લેવામાં પણ અચકાશે નહીં.
આ મામલાની આગામી સુનાવણી આગામી ૧૪ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. નિષ્ણાતોના મતે, શાળાઓમાં સ્વચ્છતાના અભાવે અસંખ્ય કિશોરીઓ શાળા છોડી દેવા મજબૂર બને છે અને ગંભીર બિમારીઓનો ભોગ બને છે. સુપ્રીમ કોર્ટના આ કડક વલણથી હવે દેશભરની શાળાઓમાં દીકરીઓની આરોગ્ય સુવિધાઓ સુધરવાની આશા બંધાઈ છે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
