તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
કેન્દ્ર સરકાર સાથેની મહત્ત્વની બેઠક પૂર્વે લદ્દાખના પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકનો આકરો મિજાજ: સંતોષકારક ઉકેલ નહીં આવે તો દેશવ્યાપી આંદોલન છેડવાની ચીમકી સાથે સરકારને અપાયું અલ્ટિમેટમ
આગામી ૯ સપ્ટેમ્બરના રોજ ગૃહ મંત્રાલયના અધિકારીઓ અને લેહ એપેક્સ બોડી વચ્ચે દિલ્હી ખાતે યોજાનારી વાટાઘાટો નિષ્ફળ જશે તો કારગિલથી લેહ સુધીની પદયાત્રા પુનઃ શરૂ કરીને આંદોલન તેજ કરવામાં આવશે

નવી દિલ્હી: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખની બંધારણીય સુવિધાઓ અને સ્વાયત્તતા સહિતના પડતર મુદ્દાઓને લઈને પર્યાવરણવિદ્ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે દેશની રાજધાની ખાતેથી કેન્દ્ર સરકાર સામે ફરી એકવાર મોરચો માંડ્યો છે. દિલ્હી ખાતે ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે લદ્દાખના પ્રતિનિધિઓની યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠક પહેલા સોનમ વાંગચુકે આકરું વલણ અપનાવતા સરકારને સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો ૯ સપ્ટેમ્બરની વાટાઘાટોમાં લદ્દાખના લોકોની માંગણીઓ અંગે કેન્દ્ર સરકાર તરફથી કડક અને સંતોષકારક નિર્ણય નહીં લેવામાં આવે, તો સમગ્ર પ્રદેશમાં અભૂતપૂર્વ અને મોટું જનઆંદોલન શરૂ કરવામાં આવશે.
સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે, લેહ એપેક્સ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) ઘણા સમયથી લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિ હેઠળ સુરક્ષા, પૂર્ણ રાજ્યનો દરો અથવા પૂરતા અધિકારો ધરાવતી પોતાની વિધાનસભા આપવા માટે રજૂઆતો કરી રહ્યા છે. આગામી ૯ સપ્ટેમ્બરના રોજ ગૃહ મંત્રાલય સાથે યોજાનારી બેઠકમાં કેન્દ્ર સરકાર લદ્દાખ વિધાનસભાના બંધારણ અને તેની સત્તાઓ અંગેનો એક વિગતવાર ડ્રાફ્ટ ટેબલ કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો સરકાર સતત લદ્દાખના સરહદી વિસ્તારો અને ત્યાંના લોકો પ્રત્યે પાવકા જેવું વલણ દાખવશે તો જનતા શાંત બેસશે નહીં.
સરકાર સાથેની આગામી બેઠકને ધ્યાનમાં રાખીને ૧૦ સપ્ટેમ્બરથી યોજાનારી કારગિલથી લેહ સુધીની પ્રસ્તાવિત પદયાત્રાને હાલ પૂરતી મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે વાંગચુકે સ્પષ્ટ કર્યું છે કે જો વાટાઘાટો નિષ્ફળ જશે અથવા તો માત્ર આશ્વાસનો આપવામાં આવશે તો આ પદયાત્રાને તાત્કાલિક અસરથી પુનઃ શરૂ કરી દેવામાં આવશે. તેમણે દેશભરના લોકોને લદ્દાખના પર્યાવરણ, સંસ્કૃતિ અને સીમાવર્તી પ્રદેશના રક્ષણ માટે આગળ આવીને આ લડાઈમાં જોડાવા આહ્વાન કર્યું છે.
નોંધનીય છે કે ઓગસ્ટ ૨૦૧૯માં કલમ ૩૭૦ હટાવ્યા બાદ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી જ સ્થાનિક જમીન, રોજગાર અને પર્યાવરણીય સુરક્ષાની માંગને લઈને સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ગત વર્ષે થયેલા હિંસક વિરોધ પ્રદર્શન અને ધરપકડો બાદ આ વર્ષે સપ્ટેમ્બર મહિનાને 'શહીદ માસ' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. હવે સમગ્ર દેશની નજર ૯ સપ્ટેમ્બરે ગૃહ મંત્રાલય અને લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચે યોજાનારી આ બેઠક પર ટકેલી છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
