તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ધર્મના નામે ધતિંગ કરીને ૩૦૦૦ કરોડ ઓહિયાં કરી જનાર ‘લેડી નટવરલાલ’ નૌહેરા શેખની પાપલીલાનો અંત : ગુરૂગ્રામના આલીશાન વિલામાંથી ૧૨ લક્ઝરી કાર અને ૪૦૦ કરોડની સંપત્તિ જપ્ત
વ્યાજને હરામ ગણાવીને ૧.૭૨ લાખ રોકાણકારોને વાર્ષિક ૩૬ ટકા નફાની માયાજાળમાં ફસાવ્યા : સુપ્રીમ કોર્ટની આંખ લાલ થતાં નકલી આધાર કાર્ડ બનાવી છુપાયેલી હીરા ગ્રુપની સ્થાપક આખરે જેલના સળિયા પાછળ ધકેલાઈ

નવી દિલ્હી: ધાર્મિક આસ્થા અને ભોળાભાવનો કેવો ક્રૂર દુરુપયોગ થઈ શકે છે તેનો જીવતોજાગતો અને સનસનાટીભર્યો કિસ્સો દેશના સૌથી મોટા પોન્ઝી કૌભાંડમાં સામે આવ્યો છે. ઇસ્લામિક શરિયા કાયદા હેઠળ ‘વ્યાજ લેવું કે દેવું એ હરામ છે’ તેવી પવિત્ર માન્યતાની આડમાં દેશભરના લાખો મુસ્લિમ રોકાણકારોના અબજો રૂપિયા ઓહિયાં કરી જનાર ‘હીરા ગ્રુપ ઓફ કંપનીઝ’ ની સ્થાપક નૌહેરા શેખની પાપલીલાનો આખરે અંત આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને હરિયાણા પોલીસે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને આ આર્થિક મહાઠગ મહિલાને ગુરૂગ્રામ (ગુડગાંવ) ના સેક્ટર ૪૫ માંથી દબોચી લીધી છે. અદાલતો અને તપાસ એજન્સીઓની આંખોમાં ધૂળ નાખીને ભાગતી ફરતી આ લેડી નટવરલાલ ‘શેખ ખામર જહાં’ નામનું નકલી ઓળખપત્ર બનાવીને આલીશાન વિલામાં છુપાઈને મોજ કરી રહી હતી.
આ કથિત હલાલ કમાણીના કાળા કારોબારની કટાક્ષપૂર્ણ વાસ્તવિકતા એ છે કે નૌહેરા શેખે મુસ્લિમ સમુદાયના એવા લોકોને નિશાન બનાવ્યા જેઓ ધાર્મિક આસ્થાના કારણે બેંકોમાં નાણાં જમા કરાવવાથી બચતા હતા. તેણે હીરા ગ્રુપના નામે આલીશાન પ્રોજેક્ટો બતાવીને એવો ભ્રમ પેદા કર્યો કે તેની કંપની સંપૂર્ણપણે શરિયાના નિયમો મુજબ વ્યાપાર કરે છે અને તેમાં રોકાણ કરનારાઓને વાર્ષિક ૩૬ ટકા જેટલો મસમોટો અને બમ્પર નફો આપવામાં આવશે. શરૂઆતમાં રોકાણકારોનો ભરોસો જીતવા માટે થોડો નફો વહેંચવામાં પણ આવ્યો, જેથી માયાવી જાળ વધુ મોટી બને. આ લાલચમાં આવીને દેશભરમાંથી ૧.૭૨ લાખથી વધુ માસૂમ લોકોએ પોતાની આખી જિંદગીની ગાઢી કમાણીના આશરે ૫૯૭૮ કરોડ રૂપિયા (લગભગ ૬,૦૦૦ કરોડ) આ કંપનીમાં હોમી દીધા હતા. પરંતુ જ્યારે અસલ મુદ્દલ અને નફો પાછો આપવાનો સમય આવ્યો ત્યારે હીરા ગ્રુપના હાથ અધ્ધર થઈ ગયા હતા અને રોકાણકારોના ૩૦૦૦ કરોડ રૂપિયા પાણીમાં ગયા હતા.
ઈડીની તપાસ જેમ જેમ આગળ વધી તેમ તેમ ધર્મના નામે વ્યાજને હરામ ગણાવનારી નૌહેરા શેખની પોતાની વૈભવી અને શાહી જીવનશૈલીના ચોંકાવનારા પાસાઓ પરથી પડદો ઊંચકાયો છે. તપાસ એજન્સીએ જ્યારે તેના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા ત્યારે વ્યાજખોરીને પાપ ગણાવનારના આલીશાન વિલામાંથી બીએમડબલ્યુ (BMW) અને મર્સિડીઝ બેન્ઝ જેવી એક-બે નહીં પરંતુ પૂરી ૧૨ જેટલી લક્ઝરી કારોનો કાફલો અને ૯૨ લાખ રૂપિયાની રોકડા રોકડી કેશ મળી આવી હતી. રોકાણકારો રસ્તા પર આવી ગયા અને મેડમ લક્ઝરી ગાડીઓમાં ફરતા રહ્યા. આ શિષ્ય મંડળના હોંસલા એટલા બુલંદ હતા કે ઈડીની તપાસ રોકવા માટે નૌહેરાના એક ખાસ સાથીદારે પોતાનું નામ ‘કલ્યાણ બેનર્જી’ બતાવીને પોતે સીધો વડાપ્રધાન કાર્યાલય (PMO) નો મોટો અધિકારી હોવાનો નકલી દાવો પણ કરી નાખ્યો હતો. જોકે કાયદાના હાથે આ નકલી પીએમઓ અધિકારીને પણ ગત જાન્યુઆરી મહિનામાં જ જેલ ભેગો કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે પણ નૌહેરા શેખના આ વલણ અને કાયદા સાથેની રમત પ્રત્યે ભારે આકરો વલણ અપનાવ્યો છે. અગાઉ જામીન મળ્યા બાદ નૌહેરા શેખ તપાસમાં સહકાર આપવાને બદલે ફરાર થઈ ગઈ હતી અને અદાલતને એવી વાર્તાઓ કહીને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો કે તે હૈદરાબાદ પોલીસ સમક્ષ સરેન્ડર કરવા ગઈ હતી પરંતુ પોલીસે જ તેને રાખવાની ના પાડી દીધી. સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવીને આત્મસમર્પણ કરવાનો કડક આદેશ આપતા જ મેડમ નકલી આધાર કાર્ડ બનાવીને ભાગતા ફરતા હતા. કોર્ટના આદેશ બાદ ઈડીએ અત્યાર સુધીમાં નૌહેરા શેખ અને તેના સગા-સંબંધીઓની આશરે ૪૦૦ કરોડ રૂપિયાની આંધળી સંપત્તિ જપ્ત કરી લીધી છે. અદાલતે આ તમામ મિલકતોની હરાજી કરીને પીડિત રોકાણકારોના ડૂબેલા નાણાં પરત કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આરોપીના વકીલોએ અનેક નકલી સોગંદનામા (એફિડેવિટ) ફાઈલ કરીને આ હરાજી અટકાવવાના પૂરતા ધમપછાડા કર્યા હતા પરંતુ ગુરૂગ્રામથી થયેલી આ તાજી ધરપકડ બાદ આ કૌભાંડી સામ્રાજ્યનો ભવ્ય અંજામ આવી ગયો છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
