News of Monday, 23rd November 2026
લાહોર ફરી એકવાર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર
AQI ૫૩૮ પર પહોંચતા ઝેરી ધુમ્મસની ચાદર છવાઈ : પાકિસ્તાનના ૧૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ૮ શહેરો પંજાબ પ્રાંતના

લાહોર,તા.૨૩: પાકિસ્તાનનું લાહોર શહેર ફરી એકવાર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. ૨૨ નવેમ્બર ૨૦૨૬ની સવારે લાહોરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ૫૦૦ને પાર કરી ગયો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી શ્રેણીમાં આવે છે. આ પ્રદૂષણ માત્ર લાહોર પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંત સહિતના અનેક શહેરોમાં ઝેરી ધુમ્મસની ચાદર છવાયેલી છે.
સવારે ૯ થી ૧૦ વાગ્યા વચ્ચે સૌથી ખરાબ સ્થિતિ સ્વિસ એર ક્વોલિટી મોનિટરિગ પ્લેટફોર્મ 'IQAir' મુજબ, રવિવારે સવારે ૯ થી ૧૦ વાગ્યા દરમિયાન લાહોરનો AQI ૫૩૮ નોંધાયો હતો, જે વૈશ્વિક યાદીમાં પ્રથમ ક્રમે છે.
કહના નૌ માં AQI 606: પાકિસ્તાનના ૧૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ૮ શહેરો પંજાબ પ્રાંતના છે. લાહોર જિલ્લાના 'કહના નૌ' માં દેશનું સૌથી ખરાબ ૬૦૬ AQI નોંધાયું છે. ત્યારબાદ લાહોર (૫૩૮), બહાવલપુર (૫૩૬), સરગોધા (૩૯૨) અને ગુજરાંવાલા (૩૪૭) નો નંબર આવે છે. આ ઉપરાંત મુલતાન, ડેરા ગાઝી ખાન, સ્કાર્દુ, ફૈસલાબાદ અને પેશાવર પણ ટોપ-૧૦ પ્રદૂષિત શહેરોમાં સામેલ છે.
વાહનો અને ઈંટના ભઠ્ઠા સામે કાર્યવાહી પ્રદૂષણ રોકવાના અભિયાનોની નિષ્ફળતા વચ્ચે લાહોર ટ્રાફિક પોલીસે ધુમાડો ઓકતા ૧૪,૬૫૩ વાહનો, ખુલ્લી રેતી-માટી લઈ જતા ૧૦,૩૦૬ વાહનો અને ઓવરલોડ ૨,૭૨,૭૬૦ વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી છે. બીજી તરફ, પર્યાવરણ વિભાગે ૧ જાન્યુઆરીથી ૧૮ નવેમ્બર સુધીમાં ૮૪,૩૭૦ ઈંટના ભઠ્ઠાઓની તપાસ કરીને ૧,૪૨૯ ભઠ્ઠા તોડી પાડ્યા, ૯૬૮ સીલ કર્યા અને ૧,૨૪૮ FIR નોંધીને ૧૦.૧૪૫ કરોડ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
WHO ની મર્યાદા કરતા ૧૪ ગણું વધુ પ્રદૂષણ વૈશ્વિક આંકડા મુજબ વાયુ પ્રદૂષણથી વિશ્વમાં દર વર્ષે આશરે ૮૧ લાખ લોકોના મોત થાય છે. 'વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ' અનુસાર પાકિસ્તાનમાં PM2.5 નું સરેરાશ સ્તર ૬૭.૩ માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર સુધી પહોંચી ગયું છે, જે WHO ની ૫ માઈક્રોગ્રામની વાર્ષિક મર્યાદા કરતા આશરે ૧૪ ગણું વધારે છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
