<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) ના વધારાની રાહ લંબાઈ: બુધવારે કેબિનેટ બેઠક ન યોજાતાં ઉત્સવો ટાણે નિર્ણય અટક્યો

જુલાઈ ૨૦૨૬ થી મળવાપાત્ર DA માં ૩% ના વધારાની પ્રબળ શક્યતા સાથે દર મહિને ₹૧,૩૪૭ સુધીનો થશે સીધો ફાયદો; આઠમું પગાર પંચ પણ આગામી દિવસોમાં વિવિધ સંગઠનો સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક.

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (DA) માં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા વધારા અંગેનો નિર્ણય હાલ પૂરતો અટકી ગયો છે. દશેરા પૂર્વે અને ત્યારબાદ બુધવારે યોજાનારી કેબિનેટ બેઠકમાંથી ડીએ વધારા અંગે સત્તાવાર જાહેરાત થવાની મોટો આશા સેવાઈ રહી હતી, પરંતુ બુધવારે કેબિનેટની કોઈ બેઠક ન યોજાતાં કર્મચારીઓની આતુરતા વધુ લંબાઈ છે. જોકે, નાણા મંત્રાલય કેબિનેટની મંજૂરી વગર પણ સીધી જાહેરાત કરી શકે છે, પરંતુ ભૂતકાળના વલણને જોતાં કર્મચારીઓ સરકારના સત્તાવાર કેબિનેટ નિર્ણયો તરફ નજર રાખીને બેઠા છે.

 

નિષ્ણાતો અને કર્મચારી સંગઠનોના અંદાજ મુજબ, આ વખતે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩% નો વધારો થવાની પૂરતી અપેક્ષા છે. આ વધારા સાથે વર્તમાન ૬૦% ડીએ વધીને ૬૩% થઈ જશે. ઉદાહરણ તરીકે, જે કર્મચારીનો મૂળ ભથ્થું કે મૂળ પગાર ₹૪૪,૯૦૦ છે, તેમને ૬૦% ના દરે હાલમાં માસિક ₹૨૬,૯૪૦ ડીએ મળે છે. જો તેમાં ૩% નો વધારો થાય તો માસિક ડીએ વધીને ₹૨૮,૨૮૭ થઈ જશે, જેનાથી કર્મચારીના ખિસ્સામાં દર મહિને ₹૧,૩૪૭ નો ચોખ્ખો વધારો થશે અને વાર્ષિક ₹૧૬,૧૬૪ સુધીનો નાણાકીય ફાયદો થશે.

 

આ વચ્ચે, આઠમા પગાર પંચ (8th Pay Commission) ને લઈને પણ મોટા અપડેટ્સ સામે આવ્યા છે. કમિશન ૨૨ ઓક્ટોબરથી મુંબઈમાં વિવિધ કર્મચારી સંગઠનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યું છે. નવેમ્બર ૨૦૨૫ માં રચાયેલા આ આઠમા પગાર પંચની ભલામણો ૧ જાન્યુઆરી, ૨૦૨૬ થી પૂર્વવર્તી અસરે (Retrospectively) લાગુ કરવાની દિશામાં વિચારણા ચાલી રહી છે, જેનો અમલ થતાં કર્મચારીઓને મોટી રકમનું એરિયર્સ (બાકી નાણાં) મળવાની પૂરી શક્યતા છે.

(8:26 PM IST)