News of Wednesday, 25th November 2026
કોમેડીના હથિયારથી ‘કોકરોચ'નો સામનો કરશે ‘લાલ હિટ ક્લબ'
સીજેપી અને તેની સાથે જોડાયેલા રાજકીય પક્ષોને વળતો જવાબ આપવા લાલ હિટ ક્લબના ઓનલાઈન પ્લેટફોર્મનો આજથી પ્રારંભ જેન ઝીને હળવી શૈલીમાં અને કટાક્ષ દ્વારા સવાલો પૂછવા અને જાહેર મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ મળશે

નવી દિલ્હીઃ તા.૨૫: જંતર મંતર પરના આંદોલનથી જાણીતી બનેલી કોકરોચ જનતા પાર્ટીના કોકરોચ ક્લબને વળતો જવાબ આપવા માટે લાલ હિટ જનતા પાર્ટીએ ‘લાલ હિટ ક્લબ' નામનું વ્યંગાત્મક અને કોમેડી પ્લેટફોર્મ લોન્ચ કરવાનું એલાન કર્યું છે. આ પ્લેટફોર્મ કોકરોચ ક્લબના પ્રચાર સામે સીધો પ્રહાર કરશે.
લાલ હિટ જનતા પાર્ટીના જણાવ્યાં અનુસાર, સીજેપી અને તેની સાથે જોડાયેલા રાજકીય પક્ષો તરફથી થઈ રહેલા રાષ્ટ્રવિરોધી પ્રચારનો વળતો જવાબ આપવા માટે આ ક્લબ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કટાક્ષ, કોમેડી અને નાના નાટકો જેવા કાર્યક્રમો કરશે.
આ ફોરમ દ્વારા જારી કરાયેલાં સત્તાવાર નિવેદન અનુસાર, લાલ હિટ ક્લબ ૨૫મી નવેમ્બરે રાત્રે ૯ વાગે યુટયુબ પર લાઈવ થશે. યુવાનોને રાજકીય અને સામાજિક બાબતોમાં રસ લેતા કરવા માટે તેમાં મીમ્સ, નાના નાટકો, સ્ટેન્ડ-અપ કોમેડી અને બીજી મનોરંજક પ્રવળત્તિઓ હશે. આ પહેલની જાહેરાત કરતાં લાલ હિટ જનતા પાર્ટી (એલએચજેપી) ના નેશનલ કો-કન્વીનર આયુષી સિંહે ન્યૂટનના ત્રીજા નિયમનો હવાલો આપતા જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ સીજેપીની ‘કોકરોચ ક્લબ'ને બરાબરનો અને વળતો જવાબ આપવા માટે બનાવવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સીજેપી એક્શન છે, તો એલએચજેપી તેનું રિએક્શન છે. એમની પાસે કોકરોચ ક્લબ છે, તો અમારી પાસે ‘હિટ' ક્લબ છે.
ફોરમે પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, આ પહેલ દ્વારા જેન ઝીને હળવી શૈલીમાં અને કટાક્ષ દ્વારા સવાલો પૂછવા, પોતાના વિચારો વ્યક્ત કરવા અને જાહેર મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ મળશે. આ ક્લબ યુવાનોને ભારતની આઝાદીની લડત અને બંધારણ વિશે જાણવા અને તેની સાથે જોડાવા પણ પ્રેરણા આપશે. આ સાથે જ, ફોરમને જે વાતો કે વલણ વાંધાજનક લાગે છે તેની સામે પણ આ પહેલ અવાજ ઉઠાવશે.
લાલ હિટ ક્લબ, એલએચજેપીના મુખ્ય કાર્યક્રમ ‘આંખે ખોલો સાથીઓ'હેઠળ કામ કરશે અને બંધારણ તથા કાયદા દ્વારા નિર્ધારિત અધિકારો અને મર્યાદાઓમાં રહીને પોતાની કામગીરી કરશે. લાલ હિટ ક્લબે તેના કાર્યક્રમોના દર્શકો અને તેમાં ભાગ લેનારા લોકો માટે ભેટ અને રોકડ ઈનામો રાખવાની પણ જાહેરાત કરી છે. આ કાર્યક્રમ ૨૫મી નવેમ્બરે રાત્રે ૯ વાગ્યે ‘Lalhitjan-taparty 09' નામની યુટયુબ ચેનલ પર લોન્ચ થશે.
ઉલ્લેખનીય કે, ૨૧મી નવેમ્બરે સીજેપીએ પૂણેના ગાંધી ભવનમાં પોતાની ‘કોકરોચ ક્લબ'નો પહેલો કાર્યક્રમ યોજ્યો હતો, જેના થોડા જ દિવસોમાં આ જાહેરાત કરવામાં આવી છે. ‘લેગસી ઓફ બાપુ'નામના આ ત્રણ કલાકના કાર્યક્રમમાં આજના ભારતમાં મહાત્મા ગાંધીના વિચારો કેટલા સુસંગત છે તે વિષય પર સ્ટેન્ડ-અપ કોમેડી, સંગીત અને ચર્ચાઓ માટે વિવિધ ક્ષેત્રના લોકો ભેગા થયા હતા
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
