<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

IRCTC મની લોન્ડરિંગ કેસમાં લાલુ યાદવ અને પરિવાર મુશ્કેલીમાં: રાઉસ એવન્યુ કોર્ટે લાલુ, તેજસ્વી અને રાબડી દેવી સહિત ૯ આરોપીઓ સામે ફ્રેમ કર્યા ચાર્જ!

ટેન્ડર પ્રક્રિયામાં હેરાફેરી અને જમીન કૌભાંડ મામલે કોર્ટની લાલ આંખ; લાલુ યાદવની ભૂમિકા શંકાસ્પદ હોવાનું નોંધી અદાલતે આગામી સુનાવણી ૩ ઓક્ટોબરે હાથ ધરી

નવી દિલ્હી : બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાષ્ટ્રીય જનતા दल (RJD) ના સુપ્રમુખ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ચર્ચિત IRCTC મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે કડક રૂખ અપનાવતા લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, રાબડી દેવી, સરલા ગુપ્તા ઉપરાંત 'લારા પ્રોજેક્ટ્સ' અને 'સુજાતા હોટેલ્સ' સહિત કુલ નવ આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર રીતે ચાર્જ ફ્રેમ (આરોપો નક્કી) કરી દીધા છે. આ કેસમાં કોર્ટે આગામી સુનાવણી ૩ ઓક્ટોબરના રોજ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે.

 

શું છે સમગ્ર કોર્ટનો આદેશ અને આરોપીઓની સ્થિતિ?

 

વિશેષ અદાલતે આ કેસમાં કાનૂની પ્રક્રિયા હાથ ધરતા સાત વ્યક્તિઓને આરોપોમાંથી મુક્ત કર્યા છે, પરંતુ લાલુ પરિવારની મુશ્કેલી યથાવત રાખી છે. કોર્ટે પોતાના અવલોકનમાં સ્પષ્ટ કર્યું છે કે પટનામાં હસ્તાંતરિત કરવામાં આવેલી વિવાદાસ્પદ જમીન એ ગુના દ્વારા મેળવેલી સંપત્તિ (Proceeds of Crime) છે. કોર્ટે તમામ આરોપીઓને આગામી તારીખે સમક્ષ હાજર રહેવા આદેશ આપ્યો છે, જેથી તેમની સામે કાનૂની કાર્યવાહી આગળ વધી શકે.

 

લાલુ યાદવની ભૂમિકા અને ટેન્ડર પ્રક્રિયામાં હેરાફેરીના આક્ષેપો

 

આરોપો નક્કી કરતી વખતે અદાલતે ગંભીર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે 'લારા પ્રોજેક્ટ્સ'ને જે પ્રકારે આર્થિક લાભ પહોંચાડવામાં આવ્યો છે, તે સીધી રીતે લાલુ યાદવની શંકાસ્પદ ભૂમિકા તરફ ઈશારો કરે છે. કોર્ટના મતે, રેલવે મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન લાલુ પ્રસાદ યાદવના સીધા કહેવાથી જ રાંચી અને પુણે સ્થિત રેલવે હોટેલોની લીઝ આપવાની ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ અને હેરાફેરી કરવામાં આવી હતી. આ સાથે જ કોર્ટે એવો પણ દાવો ફગાવી દીધો છે કે આ તપાસ રાજકીય રીતે પ્રેરિત છે, અને જણાવ્યું કે સામે આવેલા પુરાવાઓ આ કેસમાં આગળની ટ્રાયલ ચલાવવા માટે સંપૂર્ણપણે યોગ્ય અને પૂરતા છે.

(7:40 PM IST)