<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

જાહેર મિલકતની હરાજીને લઈને સુપ્રીમ કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો: ફાળવણી પત્ર કે કન્વેયન્સ ડીડ જારી થાય તે પહેલાં વધુ સારી કિંમત મેળવવા માટે સરકારી મિલકતની હરાજી રદ કરવાનો સત્તાવાળાઓને છે સંપૂર્ણ અધિકાર

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો આદેશ ફગાવતા સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે જાહેર આવકનું રક્ષણ કરવા અને સરકારી જમીન ઓછા ભાવે ન વેચાય તેની ખાતરી કરવા માટે પ્રશાસન પગલાં લેવા માટે હકદાર

નવી દિલ્હી : દેશમાં જાહેર મિલકતોના વેચાણ અને ઈ-હરાજીની પ્રક્રિયાને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે જો કાયદેસર રીતે બંધનકર્તા કરાર કે ફાળવણી પત્રને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું ન હોય, તો જાહેર સત્તાવાળાઓ (સરકારી તંત્ર) જાહેર જમીન કે મિલકત માટે બજારમાં વધુ સારી કિંમત મેળવવાના હેતુથી અગાઉની હરાજી રદ કરી શકે છે કે પછી તેના પર પુનર્વિચાર કરી શકે છે. જસ્ટિસ પામિદિઘંટમ શ્રી નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના અગાઉના ચુકાદાને રદ કરતા આ મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે.

 

આ વિવાદની શરૂઆત ઓગસ્ટ ૨૦૨૨ માં થઈ હતી, જ્યારે ચંદીગઢ પ્રશાસન દ્વારા સેક્ટર ૩૩સી માં નર્સિંગ હોમ સાઇટ્સ માટે ઈ-ઓક્શન નોટિસ બહાર પાડવામાં આવી હતી. સમાન કદના બે પ્લોટ પૈકી સાઇટ નંબર ૩ માટે ૧૮.૨૫ કરોડ રૂપિયાની બોલી મળી હતી, જ્યારે બેદી હોસ્પિટલે સાઇટ નંબર ૪ માટે ૧૨.૫૮ કરોડ રૂપિયાની બોલી લગાવીને સૌથી વધુ બોલી લગાવનાર તરીકે સ્થાન મેળવ્યું હતું. બંને પ્લોટના ભાવમાં અંદાજે ૬ કરોડ રૂપિયાનો મોટો તફાવત હોવાથી પ્રશાસનને શંકા ગઈ કે યોગ્ય બજાર કિંમત મળી છે કે કેમ. હોસ્પિટલે નિયમ મુજબ પૂરી રકમ જમા કરાવી દીધી હોવા છતાં, પ્રશાસને ફાળવણી પત્ર કે કન્વેયન્સ ડીડ જારી કર્યો ન હતો અને બાદમાં કિંમત બજાર વલણ મુજબ યોગ્ય ન હોવાનું જણાવીને ૨૭ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ બેદી હોસ્પિટલની બિડ રદ કરી દીધી હતી.

 

સુપ્રીમ કોર્ટે ચંદીગઢ એસ્ટેટ નિયમો, ૨૦૦૭ અને ઈ-હરાજીના નિયમોની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે ફાળવણી પત્ર જારી કર્યા વિના અને કન્વેયન્સ ડીડ અમલમાં મૂક્યા વિના સત્તાવાળાઓ હરાજી રદ કરવા અથવા પાછી ખેંચવાની સત્તા ધરાવે છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર મિલકતના વેચાણ વખતે જાહેર આવકનું રક્ષણ કરવું અને સરકારી મિલકત તેના વાજબી બજાર મૂલ્ય કરતાં ઓછી કિંમતે ન વેચાય તેની ખાતરી કરવી એ સત્તાવાળાઓની પ્રાથમિક જવાબદારી છે.

 

કોર્ટે બેદી હોસ્પિટલની અપીલ ફગાવી દેવાની સાથે-સાથે ચંદીગઢ પ્રશાસનને આગામી ત્રણ મહિનાની અંદર તે મિલકત માટે નવી ઈ-હરાજીની પ્રક્રિયા શરૂ કરવાનો અને પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ચુકાદો એ હકીકતને રેખાંકિત કરે છે કે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી આવવું અને મિલકત પર કાયદેસરનો હક પ્રાપ્ત કરવો એ બંને અલગ બાબતો છે, અને સરકારી સંપત્તિના નિકાલમાં જાહેર हित સર્વોપરી છે.

(7:34 PM IST)