<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

વાયનાડમાં ટનલ નિર્માણ સ્થળ પર કાળમુખો ભૂસ્ખલન: ૬ કામદારો ઈજાગ્રસ્ત, અનેક લોકો દટાયા હોવાની આશંકા

​ભારે વરસાદના પગલે ટેકરીનો મોટો હિસ્સો તૂટી પડતા સર્જાયો વિનાશ; એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ

​વાયનાડ: કેરળના વાયનાડ જિલ્લામાં ફરી એકવાર કુદરતી આફતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લાના કલ્લાડી વિસ્તારમાં નિર્માણાધીન કોઝિકોડ-વાયનાડ ટ્વિન ટનલ પ્રોજેક્ટના સાઈટ પર આજે મંગળવારે વહેલી સવારે થયેલા વિનાશક ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. મૂશળધાર વરસાદ વચ્ચે પહાડનો એક મોટો હિસ્સો અચાનક ધસી પડતા કામગીરીમાં જોડાયેલા કામદારો કાટમાળ નીચે દબાયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૬ કામદારો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે, જ્યારે અન્ય અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની પ્રબળ આશંકા છે.

​ઘટનાની વિગત અને બચાવ કામગીરી

મળતી માહિતી મુજબ, મેપ્પડી પંચાયત હેઠળના કલ્લાડી-મીનાક્ષી બ્રિજ વિસ્તારમાં ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી વાયનાડમાં પડી રહેલા અનરાધાર વરસાદને લીધે જમીન પોચી પડી ગઈ હતી, જેના કારણે ટેકરીનો ભાગ ટનલના પ્રવેશદ્વાર પર તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતા જ જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું હતું. હાલમાં એનડીઆરએફ (NDRF) ની ટીમો, ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસિસ અને પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. કેટલાક ઈજાગ્રસ્તોને સ્થાનિક લોકોની મદદથી કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

​કાટમાળ નીચે વાહનો દટાયા

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જે સમયે ભૂસ્ખલન થયું તે સમયે સાઈટ પર કામદારો ઉપરાંત કેટલાક વાહનો પણ હાજર હતા જે માટીના ઢગલા નીચે સંપૂર્ણપણે દટાઈ ગયા છે. ઘટના સ્થળે ભારે મશીનરીનો ઉપયોગ કરીને કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સતત પડી રહેલો વરસાદ અને અસ્થિર ભૂપ્રદેશ બચાવકર્મીઓ માટે મોટા પડકારો બની રહ્યા છે.

​નિષ્ણાતો અને તંત્રની ચિંતા

ઉલ્લેખનીય છે કે, વાયનાડ જિલ્લો ભૂસ્તરશાસ્ત્રીય દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટના પર્યાવરણીય અને ભૌગોલિક પાસાઓ અંગે અગાઉ પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ દુર્ઘટનાએ ૨૦૨૪માં વાયનાડમાં સર્જાયેલી ભયાનક ભૂસ્ખલનની યાદો તાજી કરી દીધી છે, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલમાં, તંત્ર દ્વારા અસરગ્રસ્તોને શોધવા અને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાઈટ પર હાજર ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

(2:21 PM IST)