<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

*જંતર મંતર પર મોડી રાત્રે ફરી યુવાનોનો ધસારો: ‘હવે વાત કરવી હોય તો સરકાર અહીં આવે’, સીજેપીની કડક શરત

નડ્ડા સાથે બે કલાકની રાહ બાદ માત્ર દસ મિનિટની બેઠકનો દાવો; ત્રણ મુખ્ય માંગણીઓ અંગે કોઈ નક્કર ખાતરી નહીં મળતાં ધરણા ચાલુ રાખવાની જાહેરાત: સીજેપીએ પોલીસ ઉપર વધુ પડતા બળપ્રયોગનો આરોપ મૂક્યો છે, જ્યારે દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓના એક જૂથે પથ્થરમારો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો કર્યો

દિલ્હી પોલીસના મોડી રાત્રિના દવા પ્રમાણે પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર દળોના ૧૧૮થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા  તથા  ૭૦ લોકોને અટકાયતમાં લેવાયા : પ્રદર્શનકારીઓમાં કેટલા લોકો ઘાયલ થયા તેનો  સત્તાવાર આંકડો જાહેર થયો નથી

મોડી રાત્રે  જંતર મંતર ખાતે ધરણા ચાલુ છે. કાર્યકરોએ ફરી મંચ તૈયાર કરવાની જાહેરાત કરી  અને અભિજીત દીપકેએ સ્પષ્ટ કર્યું હતું કે માંગણીઓ અંગે નક્કર નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન પાછું ખેંચવામાં નહીં આવે.

નવી દિલ્હી, તા. ૨૦: સંસદ તરફની કૂચ દરમિયાન દિવસભર સર્જાયેલા ભારે તણાવ બાદ અત્યારે સોમવારે મોડી રાત્રે કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો ફરી જંતર મંતર ખાતે એકત્ર થયા હતા. પોલીસે સાંજના સમયે ધરણાસ્થળ પરથી મંચ, તંબુ, તિરપાલ, બેનરો, ગાદલાં અને અન્ય વ્યવસ્થા દૂર કરી દીધી હતી. આમ છતાં કેરળ હાઉસ નજીક રોકાયેલા પ્રદર્શનકારીઓ રાત્રે ફરી જંતર મંતર પહોંચ્યા અને અંધકાર વચ્ચે ધરણા ચાલુ રાખ્યા છે. 

સીજેપીના સ્થાપકનું સાચું નામ અભિજીત દીપકે છે. તેમણે મોડી રાત્રે સભાને સંબોધતાં સરકાર સમક્ષ નવી શરત મૂકી હતી કે હવે કોઈ સરકારી પ્રતિનિધિ અથવા પોલીસ અધિકારીને વાટાઘાટો આગળ વધારવી હોય તો તેમણે જંતર મંતર ખાતે આવવું પડશે. સીજેપીના નેતાઓએ સ્પષ્ટ કર્યું કે નીચલા સ્તરના વહીવટી અધિકારીઓ સાથે નહીં, પરંતુ નિર્ણય લેવાની સત્તા ધરાવતા વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી સાથે જ ચર્ચા કરવામાં આવશે. 

 

સીજેપીના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકા બપોરે કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાના નિવાસસ્થાને વાટાઘાટો માટે પહોંચ્યા હતા. સૌરવ દાસના જણાવ્યા પ્રમાણે પ્રતિનિધિમંડળને લગભગ બે કલાક રાહ જોવડાવ્યા બાદ નડ્ડા સાથે અંદાજે દસ મિનિટ ચર્ચા થઈ હતી અને માંગણીઓનું લેખિત આવેદન સોંપવામાં આવ્યું હતું. બીજી તરફ નડ્ડાએ જણાવ્યું હતું કે સવારે ૧૧ વાગ્યાને ૫૦ મિનિટથી વાતચીતની પ્રક્રિયા ચાલી રહી હતી અને સાંજે લગભગ ચાર વાગ્યે લેખિત આવેદન મળ્યું હતું. તેમણે સરકારના ઉચ્ચ સ્તરે માંગણીઓ અંગે ચર્ચા કરવાની ખાતરી આપી હતી, પરંતુ કોઈ માંગ સ્વીકારવાની ઔપચારિક જાહેરાત કરી નહોતી. 

સીજેપીએ સરકાર સમક્ષ ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે—કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અથવા બરતરફી, સફદરજંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સોનમ વાંગચુકને મુક્ત કરી ધરણાસ્થળે આવવાની મંજૂરી અને નીટ પરીક્ષાના વિવાદ બાદ આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારને પ્રત્યેકને એક કરોડ રૂપિયાનું વળતર. સંગઠનના જણાવ્યા પ્રમાણે મોડી રાત સુધી સરકાર તરફથી આ માંગણીઓ અંગે કોઈ લેખિત ખાતરી કે અંતિમ જવાબ મળ્યો નહોતો. 

 

આ પહેલાં હજારો યુવાનોની સંસદ તરફની કૂચને રોકવા પોલીસે બેરિકેડ ગોઠવ્યા હતા. અનેક સ્થળે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કી તથા અથડામણ થઈ હતી અને લાઠી તથા અશ્રુવાયુનો ઉપયોગ થયો હતો. સીજેપીએ પોલીસ ઉપર વધુ પડતા બળપ્રયોગનો આરોપ મૂક્યો છે, જ્યારે દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓના એક જૂથે પથ્થરમારો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો કર્યો છે. 

દિલ્હી પોલીસના મોડી રાત્રિના સત્તાવાર આંકડા પ્રમાણે પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર દળોના ૧૧૮થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા હતા તથા આશરે ૭૦ લોકોને અટકાયતમાં લેવાયા હતા. પ્રદર્શનકારીઓમાં કેટલા લોકો ઘાયલ થયા તેનો એકસમાન સત્તાવાર આંકડો જાહેર થયો નથી. 

દરમિયાન સોનમ વાંગચુકે ઉપવાસ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. સફદરજંગ હોસ્પિટલના આરોગ્ય બુલેટિન પ્રમાણે તેમના મહત્વના આરોગ્ય માપદંડ સ્થિર છે, પરંતુ લોહીમાં શર્કરાનું પ્રમાણ નીચું હોવાથી સતત તબીબી દેખરેખ જરૂરી છે. વાંગચુકે યુવા પ્રતિનિધિઓને સંસદસભ્યોને મળવા દેવામાં આવે અથવા સંસદસભ્યો હોસ્પિટલમાં તેમને મળીને જવાબદારી નક્કી કરવાની ખાતરી આપે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાની વાત કરી છે. 

મોડી રાત્રે ઉપલબ્ધ છેલ્લી વિગતો પ્રમાણે જંતર મંતર ખાતે ધરણા ચાલુ છે. કાર્યકરોએ ફરી મંચ તૈયાર કરવાની જાહેરાત કરી હતી અને અભિજીત દીપકેએ સ્પષ્ટ કર્યું હતું કે માંગણીઓ અંગે નક્કર નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન પાછું ખેંચવામાં નહીં આવે. 

 

(12:21 AM IST)