તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
નાશિકના માલેગાંવમાં ગેરકાયદેસર ગર્ભલિંગ પરીક્ષણ કરતા મોટા હાઈપ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ :સમગ્ર પંથકમાં ખળભળાટ
મુખ્ય આરોપી ડૉ. વિવેક માને રાજકીય વગ ધરાવે છે અને સોશિયલ મીડિયા પર તેના કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓ સાથેના ફોટા વાયરલ થતાં ચર્ચા જગાવી

મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના માલેગાંવમાં ગેરકાયદેસર ગર્ભલિંગ પરીક્ષણ કરતા એક મોટા હાઈપ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ થયો છે. સરકારી મેડિકલ ટીમે અત્યંત ગુપ્ત રીતે સ્ટિંગ ઓપરેશન(ડિકોય ઓપરેશન) હાથ ધરીને આ આખી કરતૂતનો ભાંડો ફોડ્યો છે. આ મોટી કાર્યવાહી બાદ સમગ્ર તબીબી આલમ અને પંથકમાં ભારે હડકંપ મચી ગયો છે.
આ શરમજનક મામલો માલેગાંવના જાણીતા ‘માને હોસ્પિટલ સોનોગ્રાફી સેન્ટર’ સાથે જોડાયેલો છે. ગ્રામીણ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. સુહાસ દેવિદાસ વાહુલેને ગુપ્ત માહિતી મળી હતી કે આ હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે. આ ફરિયાદના આધારે પ્રશાસને એક વિશેષ ટીમ તૈયાર કરી હતી. 23 મે 2026ની સાંજે સરકારી ટીમ એક નકલી ગર્ભવતી મહિલા અને તેના નકલી સંબંધીને લઈને હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં દલાલો દ્વારા ગોઠવણ કરવામાં આવી હતી.
હોસ્પિટલના કર્મચારી કૃષ્ણા ખડસે અને મુખ્ય દલાલ દીપક બદરે આ નકલી દર્દી પાસે ગર્ભલિંગ તપાસના નામે સીધા ₹23,000 ની માંગણી કરી હતી. પૈસા હાથમાં આવતા જ હોસ્પિટલનો અન્ય એક કર્મચારી ગજાનન વાનખડે નકલી દર્દીને ડૉક્ટરની કેબિનમાં લઈ ગયો હતો. ત્યાં હાજર એક મહિલા ડૉક્ટરે સોનોગ્રાફી કરી લિંગની તપાસ કરી આપી હતી. આ પ્રક્રિયા પૂરી થતાં જ બહાર વોચ ગોઠવીને ઉભેલી સરકારી ટીમે હોસ્પિટલ પર અચાનક દરોડો પાડ્યો હતો.
પ્રશાસનની રેડ પડતાં જ સોનોગ્રાફી કરનાર મહિલા ડૉક્ટર અને મુખ્ય દલાલ દીપક બદરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હાલમાં ડૉ. સુહાસ વાહુલેની ફરિયાદના આધારે માલેગાંવ પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલના સંચાલક ડૉ. વિવેક માને, કર્મચારીઓ અને અજ્ઞાત મહિલા ડૉક્ટર સહિતના શખ્સો સામે 'PCPNDT એક્ટ' હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, મુખ્ય આરોપી ડૉ. વિવેક માને રાજકીય વગ ધરાવે છે અને સોશિયલ મીડિયા પર તેના કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓ સાથેના ફોટા વાયરલ થતાં ચર્ચા જગાવી છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
