News of Saturday, 27th June 2026
પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના મોટો આંચકો: 'અજ્ઞાત હુમલાખોરો'ના હાથે વધુ ૩ મોસ્ટ વોન્ટેડ આતંકીઓનો રહસ્યમય ખાતમો
હાફિઝ સઈદના કમાન્ડરોના એક પછી એક શંકાસ્પદ મોતે આતંકી નેટવર્કમાં ફેલાવ્યો ડર : બહાવલપુર અને લાહોરમાં ગાઝી મુમતાઝ સહિત ત્રણ કાર્યકરો કથિત 'હિટ એન્ડ રન' અને ટાર્ગેટ કિલિંગનો ભોગ બન્યા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની ધરતી પર આશ્રય લઈ રહેલા ભારત વિરોધી આતંકવાદીઓ માટે જાણે યમરાજ ત્રાટક્યા હોય તેવો ઘાતક સિલસિલો સતત ચાલુ રહ્યો છે. મોસ્ટ વોન્ટેડ આતંકી અને ૨૬/૧૧ મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદના સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ને એક મોટો આંચકો લાગ્યો છે. સંગઠનના ત્રણ અત્યંત વગદાર આતંકીઓ - ગાઝી મુમતાઝ, મોહમ્મદ ખુઝૈમા કાસિમ અને ખાલિદ બશીર - પાકિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં રહસ્યમય સંજોગોમાં માર્યા ગયા છે. અપર ડીરના કુખ્યાત આતંકી ગાઝી મુમતાઝની શંકાસ્પદ લાશ મળ્યા બાદ નુસરત કોટોમાં તેના ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરાયા હતા. જ્યારે લશ્કરના વરિષ્ઠ નેતા મોહમ્મદ યાકુબના ભાઈ ખુઝૈમા કાસિમનું બહાવલપુરમાં એક કથિત 'હિટ એન્ડ રન' રોડ અકસ્માતમાં મોત નીપજ્યું છે, જેને સંગઠન આંતરિક ષડયંત્ર કે બાહ્ય એજન્સીનું ઓપરેશન માની રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનમાં સક્રિય ભારત વિરોધી આતંકવાદી નેતાઓને 'અજ્ઞાત બંદૂકધારીઓ' દ્વારા એક પછી એક વીણી-વીણીને ખતમ કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ ખૈબર પખ્તુનખ્વામાં હાફિઝ સઈદના અતિ નજીકના ગણાતા શેખ યુસુફ આફ્રિદીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સિવાય, આતંકીઓની નવી ભરતીના આકા બિલાલ આરિફ સરાફીને મુરિદકેમાં તેના જ પરિવારે શંકાસ્પદ રીતે પતાવી દીધો હતો, અને લશ્કરના સહ-સ્થાપક અમીર હમઝાનું લાહોરમાં થયેલા ઘાતક હુમલામાં મોત થયું હતું. આ શ્રેણીબદ્ધ હત્યાઓએ લશ્કર-એ-તૈયબાના સ્લીપર સેલ અને ટોચના કમાન્ડરોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે અને આતંકીઓ હવે પોતાના ઘરોમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
આ ભયાનક વાતાવરણ વચ્ચે પણ લશ્કરના બચેલા આકાઓ પાકિસ્તાનની સત્તાવાર સિસ્ટમનો ઉપયોગ કરીને ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેનો પુરાવો તાજેતરમાં ઇસ્લામાબાદમાં જોવા મળ્યો હતો. પ્રખ્યાત પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરના ભાઈ શાહિદ અખ્તરના અંતિમ સંસ્કાર દરમિયાન લશ્કરની રાજકીય પાંખ ગણાતી 'પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ' ના ટોચના આતંકી નેતાઓ ખુલ્લેઆમ હાજર રહ્યા હતા. પીએમએમએલના ઇસ્લામાબાદના વડા ઇનામ-ઉર-રહેમાન કંબોહ અને ડેપ્યુટી જનરલ સેક્રેટરી અબ્દુલ્લા તૂર સહિતના કમાન્ડરો આ જનાઝામાં મોખરે જોવા મળ્યા હતા, જેનો વિડીયો વાયરલ થતાં પાકિસ્તાનની આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાની નીતિ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ખુલ્લી પડી ગઈ છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
