<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ગત રાત્રે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આફતની વરસાદી બેટિંગ : રસ્તાઓ બન્યા દરિયા અને ટ્રાફિક જામ વચ્ચે અંધેરી તથા મલાડ સબવે બંધ કરવા પડ્યા : જુઓ વિડીયો

ભિવંડીમાં માત્ર એક કલાકમાં જ જળબંબોળની સ્થિતિ સર્જાતા દુકાનોમાં પાણી ઘૂસ્યા : હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક માટે અમરાવતીમાં ઓરેન્જ અને મુંબઈ-ઠાણે સહિત ૨૯ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર

 મુંબઈ:  મહારાષ્ટ્રમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતાં જ આર્થિક રાજધાની મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદનો કડોકો શરૂ થઈ ગયો છે. રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ થયેલા જોરદાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતાં સવારના સમયે નોકરી-ધંધા માટે નીકળેલા લાખો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત થઈ રહેલા જળભરાવને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતા મુખ્ય માર્ગો પર વાહનોની ગતિ થંભી ગઈ હતી અને ટ્રાફિક રિંગતો નજરે પડ્યો હતો. હાલની પૂર જેવી સ્થિતિને જોતા વહીવટી તંત્ર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયા છે.

 

 અંધેરી-મલાડ સબવે બંધ કરાયા બાદ પાણી ઉતરતા ફરી ખોલાયા:

રાતભર પડેલા ધુઆંધાર વરસાદની સૌથી વધુ અસર મુંબઈના અંધેરી, બાંદ્રા, ખાર, માલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળી હતી. બીએમસીના જણાવ્યા અનુસાર, મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા અત્યંત મહત્વપૂર્ણ અંધેરી સબવેમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સુરક્ષાના પગલે તંત્ર દ્વારા આ અંડરપાસને વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો હતો. આ જ પ્રકારે મલાડ સબવે પણ બંધ કરવાની ફરજ પડી હતી. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પણ પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. જોકે, મુંબઈ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા દ્વારા સત્તાવાર માહિતી આપી હતી કે સવારે વરસાદ બંધ થતાં અને પાણી ઉતરી જતાં અંધેરી અને મલાડ બંને સબવે ફરીથી વાહનો માટે ચાલુ કરી દેવામાં આવ્યા છે.

 

 ભિવંડીમાં એક કલાકના વરસાદે તંત્રની પોલ ખોલી:

મુંબઈને અડીને આવેલા ભિવંડી શહેરમાં તો માત્ર એક જ કલાક પડેલા ભારે વરસાદે ભિવંડી મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી હતી. આખું શહેર જાણે નદીમાં ફેરવાઈ ગયું હતું અને મુખ્ય બજારો તેમજ સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ હતી. ભિવંડીના તીન બત્તી, ભાજી માર્કેટ, નિઝામપુરા, આમપાડા, ખંડુપાડા રોડ અને વંજારપટ્ટી વિસ્તારોમાં સૌથી ખરાબ હાલત જોવા મળી હતી. રસ્તાઓ પર ઘૂંટણથી ઉપર સુધી પાણી ભરાઈ જવાથી અનેક મોટરસાયકલ અને કાર અધવચ્ચે જ બંધ પડી ગઈ હતી, જેને પગલે ચાલકોએ ગાડીઓને ધક્કા મારવા પડ્યા હતા. ભાજી માર્કેટ અને તીન બત્તી વિસ્તારમાં વેપારીઓની દુકાનોની અંદર પાણી ઘૂસી જતાં કીમતી સામાન બચાવવા માટે ભારે દોડધામ મચી ગઈ હતી.

 

 આગામી ૪૮ કલાક ભારે: ૨૯ જિલ્લામાં એલર્ટની ચેતવણી:

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય માટે આગામી ૪૮ કલાકની મોટી અને ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના તાજા પૂર્વાનુમાન મુજબ, ૨૯ અને ૩૦ જૂનના રોજ રાજ્યના અમરાવતી જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ સિવાય મુંબઈ, ઠાણે, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, નાસિક, પુણે, સતારા, સાંગલી, નાગપુર, ચંદ્રપુર, ગઢચિરોલી, છત્રપતિ સંભાજીનગર, જાલના, અકોલા અને બુલઢાણા સહિત કુલ ૨૯ જિલ્લાઓમાં વરસાદનું 'યેલો એલર્ટ' જારી કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવાર અને મંગળવારે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર પવન સાથે હળવોથી મધ્યમ અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. મુંબઈ અને ઠાણે પ્રશાસન દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ જળભરાવ વાળા વિસ્તારોમાં જવાનું ટાળે અને હવામાનની સ્થિતિ જાણીને જ ઘરની બહાર નીકળે.

(10:17 AM IST)