<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ભારત સહિત ૪ દેશોમાં ભૂકંપ : ફિલિપાઈન્‍સમાં ૫ના મોત

નેપાળ, ચીન અને બાંગ્‍લાદેશના સરહદી વિસ્‍તારોમાં અફડાતફડીઃ કેન્‍દ્રબિંદુ ભૂટાનમાં નોંધાતા ભારતના પૂર્વોત્તર રાજ્‍યોમાં ભારે અસર જોવા મળી : શક્‍તિશાળી ભૂકંપનું કેન્‍દ્રબિંદુ ભિંડાનાઓ ટાપુ પાસે નોંધાયું: ઈન્‍ડોનેશિયા અને જાપાનમાં ધરા ધ્રુજીઃ અનેક ઈમારતો ધરાશાયી

નવી દિલ્‍હીઃ સમગ્ર એશિયા ખંડમાં કુદરતે એકસાથે રૌદ્ર સ્‍વરૂપ ધારણ કર્યું હોય તેમ પૂર્વોત્તર ભારતથી લઈને પ્રશાંત મહાસાગર સુધી ભૂકંપના શ્રેણીબદ્ધ પ્રચંડ આંચકાઓથી પૃથ્‍વીની ધરી હલી ગઈ છે. રવિવારે મોડી રાત્રે ભારત અને ભૂટાન સરહદે આવેલા મધ્‍યમ આંચકાઓ બાદ, સોમવારે વહેલી સવારે દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઇન્‍સમાં રિક્‍ટર સ્‍કેલ પર ૮.૨ ની તીવ્રતાનો અત્‍યાર સુધીનો સૌથી વિનાશક અને પ્રચંડ મહાભૂકંપ ત્રાટક્‍યો છે. સ્‍થાનિક સમય મુજબ સવારે ૭:૪૦ વાગ્‍યે આવેલા આ આંચકાનું કેન્‍દ્રબિદુ મિડાનાઓ ટાપુ નજીક જમીનના પેટાળમાં હતું. આ પ્રલયકારી આંચકો એટલો ભયાનક હતો કે તેનાથી માત્ર ફિલિપાઇન્‍સ જ નહીં, પરંતુ પડોશી દેશ ઇન્‍ડોનેશિયાના ઉત્તર સુલાવેસી અને મલુકુ પ્રાંતો પણ ધ્રૂજી ઉઠ્‍યા હતા. વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર, આ વિનાશક ભૂકંપમાં અત્‍યાર સુધીમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઇમારતો અને માળખાગત સુવિધાઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ભૂકંપ બાદ ફિલિપાઇન્‍સમાં તેમજ ઇન્‍ડોનેશિયા અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હોવાના ચિંતાજનક સમાચાર પણ બહાર આવ્‍યા છે.

ખરેખર, ફિલિપાઇન્‍સમાં ૩ મીટર ઉંચી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે, જેનાથી લોકો ડરી ગયા છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સાન્‍તોસ ઇન્‍ટરનેશનલ એરપોર્ટની દિવાલો તૂટી પડી, જેનાથી એરપોર્ટનો મોટો ભાગ નાશ પામ્‍યો. તે જ શહેરમાં, એક ચાર માળની વ્‍યાપારી ઇમારત અને એક મોલ ક્ષણભરમાં કાટમાળમાં ફેરવાઈ ગયા. વિનાશક ભૂકંપની છબીઓ સતત સામે આવી રહી છે.

આ ભયાનક ભૂકંપના તુરંત બાદ પેસિફિક મહાસાગરના તમામ દરિયાકાંઠાના વિસ્‍તારો પર કાળ તોળાઈ રહ્યો છે, કારણ કે વૈશ્વિક એજન્‍સીઓ દ્વારા સુનામીની ગંભીર હાઈ-એલર્ટ જારી કરવામાં આવી છે. ફિલિપાઇન્‍સની ભૂકંપશાસ્‍ત્રીય એજન્‍સીએ સમુદ્રમાં આશરે ૩ મીટર (૧૦ ફૂટ) ઊંચા વિનાશક મોજા ઉછળવાની સત્તાવાર આશંકા વ્‍યક્‍ત કરી છે. તટીય વિસ્‍તારોમાં રહેતા લાખો લોકોને ઘરબાર છોડીને તાત્‍કાલિક ઊંચા પહાડી વિસ્‍તારો તરફ ભાગી જવા આદેશ અપાયા છે. આ સુનામીનો ખતરો માત્ર ફિલિપાઇન્‍સ પૂરતો સીમિત નથી, પરંતુ ઇન્‍ડોનેશિયા, મલેશિયા, જાપાન, તાઇવાન, ગુઆમ અને પાપુઆ ન્‍યુ ગિની જેવા પヘમિ પેસિફિકના અનેક દેશો સુધી ફેલાયેલો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્‍તરે ભારે દહેશત વ્‍યાપી ગઈ છે.

યુદ્ધના મેદાન જેવી સર્જાયેલી આ પરિસ્‍થિતિ વચ્‍ચે ફિલિપાઇન્‍સના અલાબેલ અને આસપાસના શહેરોમાંથી તબાહીના શરૂઆતી દ્રશ્‍યો સામે આવી રહ્યા છે. સ્‍થાનિક પોલીસ વડા બેન્‍જી અંચેટાના જણાવ્‍યા અનુસાર, ભૂકંપ એટલો જોરદાર હતો કે બહુમાળી ઇમારતો, સરકારી કચેરીઓ અને પાકા રસ્‍તાઓમાં મોટી-મોટી તિરાડો પડી ગઈ છે. સદનસીબે હજુ સુધી કોઈ સત્તાવાર જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ધરતીની અસામાન્‍ય ધ્રુજારી અને ગભરાટના કારણે હૃદય બેસી જવાથી અસંખ્‍ય લોકો ઘટનાસ્‍થળે જ બેભાન થઈ ગયા હતા, જેમને તાત્‍કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે. લોકોના મતે તેમણે પોતાના જીવનકાળમાં ક્‍યારેય આટલો ભયાનક ભૂકંપ અનુભવ્‍યો નથી.

બીજી તરફ, આ આફતની શરૂઆત ગઈકાલે રાત્રે જ થઈ ચૂકી હતી જ્‍યારે પાડોશી દેશ ભૂટાનમાં ૫.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો. આ ભૂકંપનું કેન્‍દ્રબિદુ ભારતની સરહદની અત્‍યંત નજીક હોવાથી આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગીને તેની પ્રચંડ અસરો ભારત, નેપાળ, ચીન અને બાંગ્‍લાદેશ એમ ચાર દેશોમાં જોવા મળી હતી. ભારતના પૂર્વોત્તર રાજ્‍ય આસામમાં મોડી રાત્રે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્‍યારે જ ઇમારતો ધ્રૂજવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા રસ્‍તા પર દોડી આવ્‍યા હતા. આ ઉપરાંત પヘમિ બંગાળ અને સિક્કિમના પહાડી વિસ્‍તારોમાં પણ ૫.૬ ની તીવ્રતાના આંચકાથી વ્‍યાપક ભયનો માહોલ જોવા મળ્‍યો હતો.

ભૂગોળના નિષ્‍ણાતોના મતે, ફિલિપાઇન્‍સમાં અવારનવાર આવતી આવી કુદરતી આપત્તિઓ પાછળ તેનું ભૌગોલિક સ્‍થાન જવાબદાર છે. આ દેશ પ્રશાંત મહાસાગરના અત્‍યંત જોખમી અને સક્રિય ગણાતા 'રિગ ઓફ ફાયર' (Ring of Fire) ક્ષેત્ર પર આવેલો છે. આ એવો પટ્ટો છે જ્‍યાં ટેક્‍ટોનિક પ્‍લેટો સતત સરકતી રહે છે, જેના કારણે દુનિયાના સૌથી વધુ ભૂકંપ અને જ્‍વાળામુખી વિસ્‍ફોટો અહીં જ નોંધાય છે. દર વર્ષે ૨૦ થી વધુ દરિયાઈ વાવાઝોડા અને ચક્રવાતનો સામનો કરતા ફિલિપાઇન્‍સ માટે આજનો આ ૮.૨ ની તીવ્રતાનો ભૂકંપ ઇતિહાસની સૌથી મોટી કસોટી સમાન સાબિત થઈ રહ્યો છે.

(2:31 PM IST)