News of Monday, 2nd November 2026
નાગપુરના ૮ ઝવેરીઓ પાસે ૧૦-૧૦ લાખ રૂપિયા માગ્યા લોરેન્સ બિશ્નોઈ ગેન્ગે
જો પૈસા ન આપ્યા તો ટાઇગર શ્રોફની જેમ ફાયરિંગ કરીને પતાવી દઈશું એવી આપી ધમકી

નાગપુર તા.૨: જુહુમાં બોલીવુડના એક્ટર ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરવાની જવાબદારી લેનાર લોરેન્સ બિશ્નોઈ ગેન્ગે હવે નાગપુરના ૮ ઝવેરીઓને ધમકીભર્યા લેટર મોકલાવીને દરેક પાસેથી ૧૦-૧૦ લાખ રૂપિયાની ખંડણી માગી છે. ૧૦-૧૦ લાખ રૂપિયા આપો નહીં તો તમારા ટુકડા કરી નાખીશું, જો પૈસા ન આપ્યા તો ટાઇગર શ્રોફની જેમ તમને ગોળીએ દઈશું એમ કહેવામાં આવ્યું છે.
વળી આ ધમકીના આ લેટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યા છે. તમારી પૈસાની વ્યવસ્થા થઈ જાય એટલે દુકાનની સામે જય શ્રીરામ લખેલું બોર્ડ લગાવી દેજો એટલે અમને જાણ થઈ જશે. વળી એ લેટરમાં તેમને મિડલ ક્લાસ કહ્યા છે અને ગાળો પણ ભાંડવામાં આવી છે. એ બધા જ લેટરમાં હેન્ડરાઇટિંગ એક જ વ્યક્તિના છે. લેટરમાં લોરેન્સ બિશ્નોઈ અને જય શ્રીરામ લખેલું છે.
આ સંદર્ભે નાગપુર પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ ચાલુ કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના અધ્યક્ષ રાજેશ રોકડેએ કહ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ તરફથી ખંડણી માટે ધમકીભર્યો લેટર મળવાથી જ્વેલર્સમાં ગભરાટ ફેલાયો છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
