<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

પીએમ આવાસ બહાર રાહુલ ગાંધીના ધરણાંથી નારાજ વકીલો મેદાને: CJI સૂર્યકાંતને પત્ર લખી સુઓ મોટો નોંધ લેવા વિનંતી

૭, લોક કલ્યાણ માર્ગ જેવા હાઈ-સિક્યોરિટી ઝોનમાં વગર પરવાનગીએ ગેરકાયદેસર મેળાવડા સામે આક્રોશ: દેશની વિવિધ હાઈકોર્ટના વકીલોએ સંવેદનશીલ વિસ્તારો માટે કડક સુરક્ષા માર્ગદર્શિકા ઘડવાની કરી માંગ

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ દ્વારા વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન (૭, લોક કલ્યાણ માર્ગ) બહાર કરવામાં આવેલા ભીષણ વિરોધ પ્રદર્શન સામે દેશના કાયદાકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેશની વિવિધ વડી અદાલતો (હાઈકોર્ટ) ના વકીલોના એક મોટા જૂથે સોશિયલ મીડિયા અપીલ અને અચાનક કરાયેલા આ ઘેરાવ સામે દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને પત્ર લખીને આ સમગ્ર ઘટનાની સુઓ મોટો (સ્વયં સંજ્ઞાન) નોંધ લેવા અને તટસ્થ ફેક્ટ-ફાઇન્ડિંગ તપાસના આદેશ આપવા વિનંતી કરી છે.

૨૧ જુલાઈની ઘટના: વગર પરવાનગીએ વિરોધ પ્રદર્શનનો આરોપ

વકીલો તરફથી ઍડ્વોકેટ સંકેત ગુપ્તા દ્વારા રજૂ કરવામાં આવેલા આવેદનપત્ર અનુસાર, ૨૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા, અખિલેશ યાદવ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા સાંસદોએ કોઈપણ પૂર્વ સુચના કે પરવાનગી વિના વડાપ્રધાન નિવાસસ્થાન બહાર રસ્તો રોકીને ધામા નાખ્યા હતા.

પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે પોલીસે વારંવાર અપીલ કરી હોવા છતાં અને PMO ના કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે જાતે વિનંતી કરી હોવા છતાં આ વિરોધ કલાકો સુધી ચાલુ રહ્યો હતો. અંતે દિલ્હી પોલીસે બપોરે ૩:૩૫ થી સાંજે ૬:૪૨ સુધી સતત સમજાવાયા બાદ આ વિસ્તાર ખાલી કરાવવો પડ્યો હતો.

સોશિયલ મીડિયા અપીલ અને રાષ્ટ્રીય સુરક્ષા પર જોખમની આશંકા

પત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લોકોને વડાપ્રધાન આવાસ તરફ કૂચ કરવા ઉશ્કેર્યા હતા. વકીલોની દલીલ છે કે દેશના અત્યંત સંવેદનશીલ અને હાઈ-સિક્યોરિટી ઝોનમાં આવી રીતે અચાનક અનિયંત્રિત ભીડ ભેગી કરવાથી રાષ્ટ્રીય સુરક્ષા અને બંધારણીય વડાઓની સલામતી સામે ગંભીર સંકટ ઊભું થઈ શકે છે.

CJI પાસે કડક માર્ગદર્શિકા ઘડવાની માંગ

તેલંગાણા, પંજાબ-હરિયાણા, રાજસ્થાન, મુંબઈ, પટના અને કલકત્તા સહિત દેશની અગ્રણી હાઈકોર્ટના વકીલોની સહી ધરાવતા આ પત્રમાં સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરવામાં આવી છે કે:

· સંવેદનશીલ અને ઉચ્ચ સુરક્ષા ધરાવતા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો રોકવા માટે ભવિષ્ય-પ્રૂફ અને બંધનકર્તા નિયમાવલી નક્કી કરવામાં આવે.

· બંધારણીય માર્ગોને બાજુ પર મૂકીને સત્તાવાર નિવાસસ્થાનોની ઘેરાબંધી કરવાની પ્રથા પર કાયદાકીય અંકુશ લાદવામાં આવે.

 

(7:59 PM IST)