News of Thursday, 14th May 2026
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ૧,૩૫૦ કર્મચારીઓની છટણીથી ખળભળાટ: ભારતીય મૂળના સાંસદ અમી બેરા અને પ્રમિલા જયપાલે ટ્રમ્પ વહીવટીતંત્રને લીધું આડે હાથ
રાજદ્વારી અને રાષ્ટ્રીય સુરક્ષા જોખમાવવાનો આરોપ: છટણીના માપદંડો પર વિરોધાભાસી નિવેદનોથી ડેમોક્રેટ્સ લાલઘુમ, ‘મિશન કે મેરિટ’ મુદ્દે વહીવટીતંત્ર પાસે માંગ્યા સ્પષ્ટ જવાબો

વોશિંગ્ટન ડીસી : અમેરિકાના વિદેશ મંત્રાલય (સ્ટેટ ડિપાર્ટમેન્ટ) દ્વારા આશરે ૧,૩૫૦ જેટલા સિવિલ અને ફોરેન સર્વિસ કર્મચારીઓને બરતરફ કરવાના નિર્ણયને લઈને વોશિંગ્ટનના રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય મૂળના વગદાર કોંગ્રેસ સભ્ય અમી બેરા અને પ્રમિલા જયપાલે અન્ય ૧૪ ડેમોક્રેટિક સાંસદો સાથે મળીને ટ્રમ્પ વહીવટીતંત્રના આ આકરા નિર્ણય સામે મોરચો માંડ્યો છે. તેમણે સીધો સવાલ ઉઠાવ્યો છે કે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢવા પાછળનો હેતુ ‘યોગ્યતા’ (Merit) છે કે પછી કોઈ ‘ખાસ એજન્ડા’?
વહીવટીતંત્રના વિરોધાભાસી નિવેદનો પર ઉઠ્યા સવાલ
સાંસદોએ જેસન ઇવાન્સ (અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ) ને મોકલવામાં આવેલા પત્રમાં વહીવટીતંત્રના અધિકારીઓના લથડતા નિવેદનો પર આકરા પ્રહારો કર્યા છે. પત્રમાં નોંધ્યું છે કે, એક તરફ ડેપ્યુટી સેક્રેટરી માઈકલ રિગાસ આ છટણીને ‘યોગ્યતા’ પર આધારિત ગણાવે છે, તો બીજી તરફ સહાયક સચિવ જોસ કનિંગહામ જુબાની આપે છે કે આ નિર્ણય કુશળતા કે મેરિટ પર નહીં, પણ માત્ર હોદ્દાના આધારે લેવાયો હતો. સાંસદોએ સવાલ કર્યો કે, "જો તમે યોગ્યતાને મહત્વ આપતા હોત, તો આ કર્મચારીઓને અન્ય હોદ્દાઓ પર અરજી કરવાની તક કેમ ન આપી?"
રાષ્ટ્રીય સુરક્ષા અને મુત્સદ્દીગીરી પર જોખમ
અમી બેરા અને જોની ઓલ્સઝેવસ્કીના નેતૃત્વમાં ડેમોક્રેટ્સે ચિંતા વ્યક્ત કરી છે કે અનુભવી કર્મચારીઓને અચાનક છૂટા કરવાથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી (મુત્સદ્દીગીરી) પર માઠી અસર પડશે. આ કર્મચારીઓ લાંબા સમયથી વહીવટી રજા પર હતા અને હવે તેમને અંતિમ છટણીના આદેશો આપી દેવામાં આવ્યા છે, જેના કારણે વિભાગની તૈયારીઓ અને સંચાલન પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે.
સ્પષ્ટ યોજનાનો અભાવ અને ‘ફ્લિપ-ફ્લોપિંગ’
ડેમોક્રેટ્સનો આરોપ છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર પાસે આ પ્રક્રિયા માટે કોઈ ચોક્કસ યોજના કે વ્યૂહરચના નથી. પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે વહીવટીતંત્રના અધિકારીઓ વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યા છે (ફ્લિપ-ફ્લોપિંગ), જે દર્શાવે છે કે આ નિર્ણય પૂર્વ-આયોજિત વ્યૂહરચના વગર લેવામાં આવ્યો છે. સાંસદોએ હવે એવા માપદંડોની વિગતવાર માહિતી માંગી છે જેના આધારે આ ફોર્સ રિડક્શન (RIF) કરવામાં આવ્યું છે.
રાજકીય જંગ વધુ તેજ બનવાના એંધાણ
આ અગાઉ હાઉસ ફોરેન અફેર્સ કમિટીના ગ્રેગરી મીક્સે પણ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોને પત્ર લખ્યો હતો, પરંતુ તેના જવાબોથી ડેમોક્રેટ્સ સંતુષ્ટ નથી. હવે જ્યારે પ્રમિલા જયપાલ અને અમી બેરા જેવા નેતાઓએ આ મોરચો સંભાળ્યો છે, ત્યારે આગામી દિવસોમાં હાઉસ સુનાવણી દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્ર માટે જવાબ આપવો મુશ્કેલ બની શકે છે. આ ઘટનાક્રમથી સ્ટેટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓમાં પણ ભારે અનિશ્ચિતતા અને રોષ જોવા મળી રહ્યો છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
