<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

કોઈ પણ ભાષા શીખવી ક્‍યારેય નકામી જતી નથીઃ સુપ્રીમ કોર્ટ

CBSEની ૩ ભાષાની નીતિ પર વચગાળાનો સ્‍ટેનો સુપ્રીમનો ઇનકાર

નવી દિલ્‍હી,તા.૧૬: સુપ્રીમ કોર્ટે સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન (સીબીએસઈ) ની નવી ‘થ્રી-લેંગ્‍વેજ પોલિસી' પર તાત્‍કાલિક અસરથી રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી-૨૦૨૦) અંતર્ગત શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭થી અમલી બનનારી આ નીતિ હેઠળ ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાઓ ભણવી ફરજિયાત કરાઈ છે, જેમાં ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓનો સમાવેશ અનિવાર્ય છે. કોર્ટે ખૂબ જ મહત્‍વપૂર્ણ ટિપ્‍પણી કરતા કહ્યું કે, ‘‘કોઈ પણ ભાષા શીખવી ક્‍યારેય નકામી જતી નથી.''

મંગળવારે ચીફ જાસ્‍ટિસ સૂર્યકાંતની અધ્‍યક્ષતાવાળી બેંચે આ મુદ્દે સુનાવણી કરી હતી. દિલ્‍હી, ગુરૂગ્રામ, નોઈડા અને ચેન્નાઈના વાલીઓ અને શિક્ષકોએ કરેલી અરજીમાં ૧૫ મેના સીબીએસઈના સર્ક્‍યુલરને પડકારાયો હતો. અરજીકર્તાઓની મુખ્‍ય ચિતા એ હતી કે, ધોરણ ૫ થી વિદેશી ભાષાઓ (જેમ કે ફ્રેન્‍ચ કે જર્મન) ભણતા વિદ્યાર્થીઓ માટે હવે અચાનક બે ભારતીય ભાષાઓ પસંદ કરવી મુશ્‍કેલ બની શકે છે. સીબીએસઈ એ સ્‍પષ્ટ કર્યું કે, તેમની ૪૭ ટકા શાળાઓમાં પહેલેથી જ બે કે તેથી વધુ ભારતીય ભાષાઓ ભણાવાય છે. બોર્ડે કહ્યું હતું કે વિદેશી ભાષાઓ પર કોઈ પ્રતિબંધ નથી; વિદ્યાર્થીઓ તેને ‘ચોથી ભાષા' તરીકે રાખી શકે છે. વધુમાં, વિદ્યાર્થીઓને રાહત આપતા બોર્ડે જણાવ્‍યું કે ધોરણ ૧૦ માં ત્રીજી ભાષા (આર-૩) ની કોઈ બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં.

(10:25 AM IST)