News of Monday, 29th June 2026
૩ દિવસમાં અયોધ્યા છોડો, નહીતર આખી રામનગરી બ્લોક કરીશું
ચંપતરાય, ગોપાલરાવ અને અનિલ મિશ્રાને વકીલોનું અલ્ટીમેટમ

અયોધ્યા, તા.૨૯: રામ મંદિર દાન ઉચાપત કેસમાં હવે કાયદાના રક્ષકો જ આકરા પાણીએ થયા છે, જેના કારણે અયોધ્યાનું રાજકારણ અને સામાજિક વાતાવરણ અત્યંત ગરમાઈ ગયું છે. અયોધ્યા બાર એસોસિએશનની મળેલી તાકીદની બેઠકમાં વકીલોએ ભારે આક્રોશ સાથે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને આગામી ત્રણ દિવસમાં અયોધ્યા છોડી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે. વકીલોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ ત્રણેય પદાધિકારીઓ નિયત સમયમાં અયોધ્યા નહીં છોડે, તો સમગ્ર રામનગરીને બ્લોક કરી દેવામાં આવશે અને કોઈપણ બહારની વ્યક્તિને શહેરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
આ ઐતિહાસિક આક્રોશ વચ્ચે બાર એસોસિએશનના પ્રમુખ કાલિકા પ્રસાદ મિશ્રાએ એક મોટો અને કડક નિર્ણય જાહેર કર્યો છે. એસોસિએશને સર્વાનુમતે નક્કી કર્યું છે કે આ મહાકૌભાંડના કોઈપણ આરોપી તરફથી અયોધ્યાનો કોઈ વકીલ કોર્ટમાં કેસ લડશે નહીં. જો કોઈ વકીલ આ આદેશનું ઉલ્લંઘન કરીને આરોપીઓ વતી વકીલાત કરવાનો પ્રયાસ કરશે, તો તેને રૂ.૫ લાખનો ભારે દંડ ફટકારવામાં આવશે અને સાથે જ બાર એસોસિએશનમાંથી તેનું સભ્યપદ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવશે. આ કડક વલણને કારણે આરોપીઓ માટે હવે કાયદાકીય મોરચે મુશ્કેલીઓ વધી ગઈ છે.
બીજી તરફ, પોલીસ અને એસઆઈટીની ચાલી રહેલી તપાસમાં દરરોજ ચોંકાવનારા અને નવા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ એજન્સીઓના મતે, કરોડો રૂપિયાના દાનની આ હેરાફેરી માત્ર સામાન્ય ગુનેગારો દ્વારા સંભવ નહોતી; આ કૌભાંડમાં બેન્કના કર્મચારીઓની સક્રિય સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં ધરપકડ કરાયેલા આઠ મુખ્ય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે, જ્યાં પોલીસ તેમની વધુ પૂછપરછ માટે નવા રિમાન્ડની માંગણી કરશે. રવિવારે આરોપીઓના નિવાસસ્થાને પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં રોકડ, દાગીના અને મિલકતના દસ્તાવેજો જપ્ત કરાયા છે, જ્યારે ચંપત રાય સહિત અંદાજે ૧૪૦ લોકોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
