<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

લેબનોનમાં રણસંગ્રામ: નેતન્યાહૂનો સેનાને 'આરપારની લડાઈ'નો આદેશ: હિઝબુલ્લાહના ગઢમાં ઈઝરાયલી સેનાના પડઘા

ઉત્તર સરહદે હિઝબુલ્લાહના રોકેટ હુમલાઓનો જડબાતોડ જવાબ આપવા માટે લશ્કરી કાર્યવાહીને વધુ આક્રમક બનાવી

જેરૂસલેમ  :  ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દક્ષિણ લેબનોનમાં ભૂમિ કાર્યવાહીને અત્યંત વેગવંતી બનાવવાનો સીધો આદેશ આપ્યો છે. છ અઠવાડિયા પૂર્વે થયેલા યુદ્ધવિરામનો અંત આણી ઈઝરાયલી સૈનિકોએ સરહદ ઓળંગીને લેબનોનમાં ઊંડા ઉતરી 900 વર્ષ જૂના ઐતિહાસિક બ્યુફોર્ટ કિલ્લા અને વ્યૂહાત્મક ટેકરીઓ પર કબજો મેળવી લીધો છે. નેતન્યાહૂના આ કડક વલણથી મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે.

હિઝબુલ્લાહે પણ ઈઝરાયલના ઉત્તરી વિસ્તારો પર રોકેટ અને ડ્રોનનો મારો ચલાવીને શાળાઓ અને બજારો બંધ કરાવી દીધા છે. ઈરાન સમર્થિત આ જૂથના હુમલાઓને ખાળવા માટે ઈઝરાયલ હવે રક્ષણાત્મક રહેવાને બદલે આક્રમક બન્યું છે. આ હિંસાના કારણે અત્યાર સુધીમાં 1.2 મિલિયનથી વધુ લેબનીઝ લોકો વિસ્થાપિત થયા છે, જ્યારે લેબનોનમાં મૃત્યુઆંક 3,370 ને વટાવી ગયો છે. બીજી તરફ, સતત ગોળીબારને કારણે હજારો ઈઝરાયલી નાગરિકોએ પણ પોતાના ઘર છોડવાની ફરજ પડી છે.

આ લડાઈ હવે માત્ર સરહદી વિવાદ ન રહેતા પ્રાદેશિક વર્ચસ્વની જંગ બની ગઈ છે. રાજદ્વારી સ્તરે શાંતિના પ્રયાસો ચાલુ હોવા છતાં, રવિવારની આ જાહેરાત સ્પષ્ટ કરે છે કે ઈઝરાયલ કોઈપણ ભોગે હિઝબુલ્લાહના ખતરાને જડમૂળથી ઉખેડવા માંગે છે. બંને દેશોના નાગરિકો આ સૈન્ય કાર્યવાહીના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને ઈરાનની સીધી સંડોવણી આ સંઘર્ષને વધુ ગંભીર બનાવી શકે છે તેવી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભીતિ સેવાઈ રહી છે.

(10:38 PM IST)