<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

સત્‍સંગમાં જતી હોવાનું કહી ઘરેથી નીકળી ગઈઃ બોયફ્રેન્‍ડ સાથે હોમસ્‍ટેમાં મૃત અવસ્‍થામાં મળી

યુવતી સાથે તેનો કથિત બોયફ્રેન્‍ડ પણ બેભાન અવસ્‍થામાં મળ્‍યોઃ રૂમમાંથી મળી ગોળીઓ અને ડાયરી

બેંગલુરુ તા.૩૦: કર્ણાટકના ચિક્કબલ્‍લાપુરા જિલ્‍લાના નંદીગિરિધામ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલા હોમસ્‍ટેમાં એક યુવતીની લાશ મળી છે. આ ઘટના મુડ્ડેનહલ્‍લી નજીકની છે. મૃતક યુવતીની ઓળખ સાઈ સુરભિ તરીકે થઈ છે. યુવતી સાથે તેનો કથિત બોયફ્રેન્‍ડ પણ બેભાન અવસ્‍થામાં મળ્‍યો છે, જે બાદ તેને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે. યુવકની ઓળખ કેરળના રહેવાસી સંજીત અલી તરીકે થઈ છે. બીજી તરફ સુરભિના પરિવારનો આરોપ છે કે કેબ ડ્રાઈવરનું કામ કરનારા સંજીત અલીએ સુરભિને પોતાની જાળમાં ફસાવી તેને શારીરિક યાતનાઓ આપી અને આ જ યુવકે તેની હત્‍યા કરી નાખી. હાલમાં પોલીસે ફરિયાદ નોંધી લીધી છે અને દરેક એંગલથી આ મામલે તપાસ કરી રહી છે.

બેંગલુરુની રહેવાસી સાઈ સુરભિ અને કેરળના કોઝિકોડના રહેવાસી કેબ ડ્રાઈવર સંજીત અલી શનિવારે મુડ્ડેનહલ્‍લી નજીક એક હોમસ્‍ટેમાં રોકાયા હતા. આ મામલો ત્‍યારે સામે આવ્‍યો, જ્‍યારે ચેક આઉટનો સમય વીતવા છતાં હોમસ્‍ટેના કેરટેકરે રૂમની તપાસ કરી. ચિક્કબલ્‍લાપુરના એસી કુશલ ચૌસીએ પોલીસ ટીમ સાથે ઘટનાસ્‍થળની મુલાકાત લીધી અને તપાસ કરી. યુવતીની લાશ ફંદા સાથે લટકાયેલી મળી અને જે રસ્‍સી વડે લટકાયેલી હતી તે કપાયેલી હતી. ઘટનાસ્‍થળેથી ગોળીઓ પણ મળી છે. જેનાથી સંકેત મળે છે કે, તેને ઝેર આપવામાં આવ્‍યું હતું. રૂમમાંથી એક ડાયરી પણ મળી છે, જેમાં કેટલીય વાતો લખેલી હતી. પોલીસ આ મામલે હવે તપાસ કરી રહી છે.

એસપી કુશલ ચૌકસીએ કહ્યું કે, આ હત્‍યા હતી કે બંનેએ મળી આત્‍મહત્‍યા કરી, એ હજુ સ્‍પષ્ટ નથી થયું, જ્‍યારે હોસ્‍પિટલમાં ગંભીર રીતે બીમાર સંજીત અલી ભાનમાં આવશે ત્‍યારે સ્‍પષ્ટ થશે. હાલમાં નંદીગિરિધામ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, સાઈ સુરભિ બેંગલુરુની દયાનંદ સાગર કોલેજમાં ભણી રહી હતી. તો મિત્રો દ્વારા તેની મુલાકાત કેરળના કેબ ડ્રાઈવર સંજીત અલી સાથે થઈ. જેમ જેમ એકબીજાને ઓળખવા લાગ્‍યા, સંજીત તેને એવું કહીને પરેશાન કરવા લાગ્‍યો કે તે તેને પ્રેમ કરે છે.

સુરભિના પરિવારે પોલીસને જણાવ્‍યું કે પોતાની પ્રેમની જાળમાં ફસાવવા માટે સુરભિને પરિવારની મરજી વિરુદ્ધ જઈ પોતાની સાથે લઈને જતો રહ્યો અને પછી ડ્રગ્‍સની લત પણ લગાવી દીધી. છ મહિના સુધી બંને સાથે રહ્યા, પણ આ દરમિયાન સંજીત સુરભિને જબરદસ્‍તી રીતે પ્રતાડિત કરી. ત્‍યાર બાદ ઘરવાળા જેમ તેમ કરી તેને પાછી લાવ્‍યા. બે ત્રણ જગ્‍યા પર તેની સારવાર કરી ઠીક કરવાની કોશિશ કરી. હાલમાં તે એકદમ સ્‍વસ્‍થ અને ઠીક હતી.

સાઈ સુરભિએ હાલમાં મુડ્ડેનહલ્‍લીમાં સ્‍પીચ થેરેપિસ્‍ટ તરીકે કામ શરૂ કર્યું હતું. તેણે પોતાની માતાને જણાવ્‍યું હતું કે શનિવારે તે ત્‍યાં સત્‍સંગ છે, અને ત્‍યાં જ રહેશે. પણ હવે તે સંજીત અલી સાથે એક હોમસ્‍ટેમાં મળી, જ્‍યાં તે મૃત જોવા મળી. પરિવારે પોલીસને જણાવ્‍યું કે, એક કાવતરું રચીને આરોપી સંજીત અલીએ સુરભિની હત્‍યા કરી છે. પોલીસને અત્‍યાર સુધીની તપાસમાં જાણવા મળ્‍યું છે કે સુરભિ અને સંજીત વિરુદ્ધ ગત વર્ષે એક ફરિયાદ પણ થઈ હતી. પોલીસ હવે આ કેસમાં આગળ તપાસ કરી રહી છે.

 

(9:48 AM IST)