<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

ટાટા ગ્રુપમાં વર્ચસ્વની લડાઈ વચ્ચે કાનૂની ગુરુ હરીશ સાલ્વેની વિસ્ફોટક સલાહ: ‘ટાટા સન્સનું સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થશે તો જ સત્તાના આંતરિક ઝઘડાનો કાયમી અંત આવશે!’

‘ડિરેક્ટર્સ ટ્રસ્ટના પ્યાદા બનીને ન રમે’: વરિષ્ઠ વકીલે લિસ્ટિંગનો વિરોધ કરનારાઓની વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી : ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ‘ટાટા સન્સ’ અને ‘ટાટા ટ્રસ્ટ્સ’ વચ્ચે ચાલી રહેલો આંતરિક સત્તા સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે, જેણે દેશના સમગ્ર કોર્પોરેટ જગતમાં ભારે ચકચાર મચાવી છે. આ વિવાદ વચ્ચે દેશના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને જાણીતા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ એક વિસ્ફોટક નિવેદન આપીને બોર્ડરૂમના પાયા હચમચાવી દીધા છે. સાલ્વેએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવામાં આવે, તો જ કંપનીમાં કડક પારદર્શિતા અને જવાબદેહી આવશે અને આંતરિક ખેંચતાણનો ઉકેલ આવશે.

 

ખાસ વાતચીતમાં હરીશ સાલ્વેએ લિસ્ટિંગનો વિરોધ કરી રહેલા જૂથની દાનત સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સંકેત આપ્યો હતો કે લિસ્ટિંગનો વિરોધ કરનારાઓ કોર્પોરેટ નૈતિકતા કરતા પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને વધુ મહત્વ આપી રહ્યા છે. સાલ્વેએ ઉમેર્યું કે હોલ્ડિંગ કંપની પબ્લિક માર્કેટમાં લાવવાથી કડક નિયમનકારી દેખરેખ અને સંસ્થાકીય સ્પષ્ટતા મળશે, જેનો વિરોધ કરવાના બદલે સ્વાગત થવું જોઈએ. આવી પરિસ્થિતિ વચ્ચે કંપનીનું માળખું જાળવી રાખવું એ કોર્પોરેટ ગવર્નન્સ માટે મોટો ખતરો છે.

 

આ ઉપરાંત, બોર્ડ બેઠકોમાં એન ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ અને કાસ્ટિંગ વોટના ઉપયોગ અંગે ચર્ચા કરતા સાલ્વેએ નિર્ભીકપણે કહ્યું કે, બોર્ડના ડિરેક્ટરોએ કાયદા અનુસાર માત્ર કંપની અને હિસ્સેદારોના હિતમાં કામ કરવાનું હોય છે. તેઓ કોઈ કંટ્રોલિંગ ટ્રસ્ટ કે વ્યક્તિના પ્રોક્સી અથવા ‘પ્યાદા’ બનીને કામ કરી શકે નહીં.

 

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા અપર-લેયર NBFC/CIC ને લઈને આપવામાં આવેલી કડક ચેતવણીઓનો ઉલ્લેખ કરતા સાલ્વેએ ભારપૂર્વક કહ્યું કે, કોઈ પણ કંપની કાયમી મડાગાંઠ કે વિવાદમાં ચાલી શકે નહીં. ટાટા જેવા ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત ગ્રુપની ગરિમા જાળવી રાખવા માટે હવે તાત્કાલિક અને નક્કર કાનૂની ઉકેલ લાવવો અત્યંત જરૂરી બની ગયો છે.

 

(7:31 PM IST)