<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

રૂપિયા વસૂલાયા છતાં ભાગેડુ વિજય માલ્યા સામેનો કાનૂની શિકંજો વધુ મજબૂત: EDએ કહ્યું- "પૈસા મળી ગયા પણ ગુનો માફ નહીં થાય!"

બોમ્બે હાઈકોર્ટમાં ઈડીનું આકરું વલણ; માલ્યાને ભારતમાં હાજર થવા માટે અપાયેલી અંતિમ તક વચ્ચે સત્તાવાળાએ સ્પષ્ટ કર્યું કે આ કોઈ વ્યાપારી વિવાદ નથી પરંતુ ગંભીર ફોજદારી બાબત છે.

મુંબઈ : હજારો કરોડ રૂપિયાનું બેંક કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યાની મુશ્કેલીઓમાં ફરી એકવાર મોટો વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે માલ્યા પાસેથી સંપૂર્ણ રકમ વસૂલ કરી લેવામાં આવી હોવા છતાં તેમની વિરુદ્ધની ફોજદારી કાર્યવાહી બંધ થશે નહીં અને તે સતત ચાલુ જ રહેશે.

 

તાજેતરમાં યોજાયેલી સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ભારતમાં વાપસી કરવા અને કોર્ટ સમક્ષ હાજર થવા મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે આખરી તક આપી હતી. આ ઘટનાક્રમ વચ્ચે ઈડીએ હાઈકોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે માલ્યા સતત દેશની બહાર રહીને અદાલતી પ્રક્રિયાથી ભાગી રહ્યા છે, જેના કારણે હાલની કાર્યવાહી અત્યંત પ્રાસંગિક બની ગઈ છે. ઈડીએ ભારપૂર્વક કહ્યું કે આ માત્ર કોઈ નાણાકીય કે વ્યાપારી વિવાદ નથી પરંતુ એક ગંભીર ગુનાહિત મામલો છે.

 

ઈડીએ વધુમાં ખુલાસો કર્યો હતો કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ ૮(૮) હેઠળ મિલકતની પુનઃસ્થાપના એ બેંકોને તેમની રકમ પરત કરવાની એક કાનૂની પ્રક્રિયા માત્ર છે. તેથી, મિલકતો જપ્ત કરીને નાણાં વસૂલ કરી લેવાથી માલ્યાના ગુનાઓ ધોવાઈ જતા નથી. તપાસ એજન્સીએ અદાલતને વિનંતી કરી છે કે માલ્યાના આચરણને ધ્યાનમાં રાખીને જ તેમની અરજી પર નિર્ણય લેવામાં આવે. ઈડીના આ કડક વલણથી હવે વિજય માલ્યા સામે મની લોન્ડરિંગ કેસમાં કાયદાકીય પકડ વધુ આકરી બની છે.

 

(8:27 PM IST)