News of Monday, 3rd August 2026
"કંપનીમાં કોઈ જગ્યા ખાલી હોય તો જણાવજો": ઓફિસ મૂકવા આવેલા રેપિડો ડ્રાઈવરે મહિલાને વોટ્સએપ પર રિઝ્યુમ મોકલ્યો, સોશિયલ મીડિયા પર B.Tech યુવકના આત્મસન્માનની પ્રશંસા
સહાનુભૂતિ નહીં પણ લાયકાતના આધારે નોકરી મેળવવાનો પ્રયાસ: મહિલા મુસાફરે વાયરલ કરી પોસ્ટ, એચઆર પ્રોફેસનલ્સ યુવકની મદદ માટે આગળ આવ્યા.

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં બનેલી એક અનોખી ઘટના અત્યારે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે. એક મહિલા મુસાફરે પોતાની ઓફિસ પહોંચવા માટે રેપિડો (Rapido) બાઇક રાઇડ બુક કરી હતી. ઓફિસ પહોંચ્યાના થોડા જ સમય બાદ મહિલાના વોટ્સએપ પર એ જ રાઇડરનો એક મેસેજ આવ્યો. યુવકે નમ્રતાપૂર્વક પોતાનો પરિચય આપતા જણાવ્યું કે તેણે તાજેતરમાં જ B.Tech નો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તે પોતાની પ્રથમ નોકરીની શોધમાં છે. તેણે મહિલાને વિનંતી કરી કે જો તેમની કે અન્ય કોઈ કંપનીમાં ખાલી જગ્યા (Vacanciy) હોય તો જણાવે, અને સાથે પોતાનો બાયોડેટા (Resume) પણ મોકલ્યો.
મહિલા મુસાફર યુવકના આ આત્મસન્માન અને મહેનત કરવાની વૃત્તિથી અત્યંત પ્રભાવિત થઈ હતી. તેણે આ આખો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે જોતજોતામાં વાયરલ થઈ ગયો. યુઝર્સે યુવકની હિંમત અને નમ્રતાના મુક્ત મને વખાણ કર્યા હતા. લોકોનું કહેવું હતું કે કોઈ પણ કામ નાનું નથી હોતું અને પોતાના ભવિષ્ય માટે અચકાયા વિના તકો શોધવી એ શરમજનક નહીં પણ પ્રેરણાદાયક બાબત છે. યુવકે સહાનુભૂતિ માંગવાને બદલે પોતાની લાયકાતના આધારે તક માંગી હતી, જે આજના યુવાનો માટે એક આદર્શ ઉદાહરણ છે.
આ પોસ્ટ વાયરલ થયા બાદ મહિલા મુસાફરે નવું અપડેટ આપતા જણાવ્યું કે તેણે યુવકનો બાયોડેટા અને સંપર્ક નંબર કેટલાક જાણીતા HR પ્રોફેસનલ્સ અને કોર્પોરેટ નેટવર્કમાં શેર કર્યો છે. આ ઘટનાએ એ સાબિત કરી બતાવ્યું કે ડિજિટલ મીડિયા અને મહેનતુ અભિગમ જરૂરિયાતમંદ યુવાનો માટે નવી તકોના દરવાજા ખોલી શકે છે. ધ્યેય પ્રત્યેનું આ સમર્પણ ટૂંક સમયમાં જ યુવકને એક સારી કંપનીમાં ઇન્ટરવ્યુ અને નોકરી અપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
