તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
પર્સિયન ગલ્ફમાં લાઇબેરિયન જહાજ પર મિસાઈલ હુમલો, એક ભારતીય સહિત ચાર ક્રૂ મેમ્બર ઘાયલ
અલ રૂવૈસથી દુબઈ જઈ રહેલા ઓઈલ ટેન્કર 'MT ફુજૈરાહ એનર્જી' પર અચાનક અસ્ત્ર ઝીંકાયું, કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે આપી માહિતી

પર્સિયન ગલ્ફ : પર્સિયન ગલ્ફના જળમાર્ગોમાંથી પસાર થઈ રહેલા એક વ્યાપારી જહાજ પર અચાનક થયેલા હુમલાએ સમુદ્રી સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આપેલી સત્તાવાર માહિતી મુજબ, ગત ૧૦ નવેમ્બરના રોજ પર્સિયન ગલ્ફમાં મુસાફરી કરી રહેલા લાઇબેરિયન ધ્વજવાળા એક તેલ ટેન્કર પર અજાણ્યા અસ્ત્ર (મિસાઈલ કે પ્રોજેક્ટાઇલ) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે સમયે આ જહાજમાં છ ભારતીય ખલાસીઓ પણ સવાર હતા.
આ ગંભીર હુમલાને કારણે જહાજ પર સવાર એક ભારતીય નાગરિક સહિત કુલ ચાર ક્રૂ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર એક સત્તાવાર પોસ્ટ શેર કરતા મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે 'MT ફુજૈરાહ એનર્જી' નામનું આ ઓઈલ ટેન્કર અલ રૂવૈસથી દુબઈ તરફ પોતાની સફર ખેડી રહ્યું હતું, તે દરમિયાન આ આફત ત્રાટકી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરિયાઈ સુરક્ષા એજન્સીઓ અને સબંધિત ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ તથા રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલ થયેલા તમામ ક્રૂ સભ્યોને તાત્કાલિક ધોરણે જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય તથા શિપિંગ મંત્રાલય દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર વધતા જતા સુરક્ષા જોખમો અને વેપારી જહાજો પરના આવા હુમલાઓને ડામવા માટે હવે વૈશ્વિક સ્તરે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. આગામી સમયમાં આ ક્ષેત્રમાંથી પસાર થતા જહાજોની સુરક્ષા વધારવા અને આ હુમલા પાછળ કોનો હાથ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
