<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

આતંકવાદના આશ્રયદાતા પાકિસ્તાનનો જુઠ્ઠાણો જગજાહેર: મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરે જેનું ભેજું નિકંદન કરી નાખ્યું તે 'ડોક્ટર' હમઝાના જનાજામાં સશસ્ત્ર કમાન્ડરો લશ્કરી ઠાઠથી સામેલ થયા!

મેડિકલ કોલેજની આડમાં ખીણના યુવાનોને કટ્ટરપંથી બનાવનાર માસ્ટરમાઇન્ડના મોતથી જેહાદી નેટવર્કને મોટો ફટકો; વિદેશી ભંડોળ અને આઈએસઆઈ સાથેના કનેક્શનના પુરાવાઓ સોશિયલ મીડિયા પર ખુલ્લા પડ્યા

ઇસ્લામાબાદ: આતંકવાદને આશ્રય આપવાના મામલે વૈશ્વિક મંચ પર સતત જૂઠું બોલતા પાકિસ્તાનનો અસલી ચહેરો ફરી એકવાર દુનિયા સામે સદંતર બેનકાબ થઈ ગયો છે. પાકિસ્તાનની કડક સુરક્ષા ધરાવતી રાજધાની ઇસ્લામાબાદમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હમઝા બુરહાન ઉર્ફે 'ડોક્ટર' ના અંતિમ સંસ્કાર યોજાયા હતા, જેમાં સશસ્ત્ર આતંકવાદીઓ અને તેના આકાઓ ખુલ્લેઆમ સામેલ થયા હતા. પાકિસ્તાન સરકાર હંમેશા પોતાની ધરતી પર આતંકવાદી પ્રવૃત્તિઓ હોવાનો ઇનકાર કરતી આવી છે, પરંતુ આ હાઇ-પ્રોફાઇલ દફનવિધિમાં હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન અને અલ-બદરના વડા બખ્ત ઝમીન ખાન સહિતના આંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ આતંકવાદી કમાન્ડરો જાહેરમાં ફરતા જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા તેમજ પાકિસ્તાની સ્થાનિક મિડિયામાં વાયરલ થયેલા કેટલાક સનસનાટીભર્યા વીડિયો અને તસવીરોએ પાકિસ્તાની એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. આ સત્તાવાર દસ્તાવેજી પુરાવાઓથી સ્પષ્ટ થાય છે કે, કુખ્યાત જેહાદી કમાન્ડરો ઉપરાંત પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ (ISI) સાથે સંકળાયેલા ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને વરિષ્ઠ કાર્યકરો પણ આતંકવાદીના જનાજામાં અત્યંત સક્રિયપણે હાજર રહ્યા હતા. આ ઘટનાએ એ વાત પર મહોર મારી દીધી છે કે પાકિસ્તાનની સત્તાવાર એજન્સીઓ ભારતમાં અશાંતિ ફેલાવનારા ગુનેગારોને વીઆઈપી પ્રોટોકોલ અને સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે.
અર્જુમંદ ગુલઝાર ડાર ઉર્ફે હમઝા બુરહાન, જે આતંકવાદી આલમમાં 'ડોક્ટર' તરીકે કુખ્યાત હતો, તેને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ના મુઝફ્ફરાબાદમાં એક અજાણ્યા બંદૂકધારીએ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીઓ મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વર્ષ ૨૦૨૨ માં ભારતના ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરમાં અનેક ઘાતક અને હિંસક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સીધી સંડોવણી બદલ બુરહાનને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યો હતો. સુરક્ષા એજન્સીઓના અહેવાલો અનુસાર, બુરહાન વર્ષ ૨૦૧૭ માં એક કાયદેસરના ભારતીય પાસપોર્ટનો દુરુપયોગ કરીને પાકિસ્તાન ભાગી છૂટ્યો હતો અને ત્યાં પ્રારંભિક તબક્કે મેડિકલ કોલેજમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
તબીબી શિક્ષણ મેળવવાના બહાને પાકિસ્તાન પહોંચેલો આ ગુનેગાર ટૂંક સમયમાં જ અલ-બદ્ર સંગઠનનો અગ્રણી કમાન્ડર બની ગયો હતો. તેણે પાકિસ્તાનની ધરતી પર સેફ હાઉસ મેળવીને કાશ્મીરના નિર્દોષ યુવાનોને જેહાદના નામે કટ્ટરપંથી બનાવવા, સરહદ પારથી આતંકી ઓપરેશન માટે નવી ભરતી કરવી અને હવાલા મારફતે આતંકવાદી ભંડોળ એકત્ર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક એજન્સીઓની નજરથી બચવા માટે બુરહાન ઇસ્લામાબાદથી આશરે ૧૩૫ કિલોમીટર દૂર મુઝફ્ફરાબાદની એક ખાનગી કોલેજમાં પ્રિન્સિપાલ અને શિક્ષક તરીકે છુપાઈને રહેતો હતો અને ત્યાંથી જ પોતાનું નેટવર્ક ચલાવતો હતો.
સ્થાનિક પોલીસ અને ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે જ્યારે બુરહાન કોલેજ કેમ્પસની બહાર નીકળી રહ્યો હતો ત્યારે પૂર્વ આયોજિત વ્યૂહરચના હેઠળ અજાણ્યા હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ ખૂબ જ નજીકથી તેના માથામાં અસંખ્ય ગોળીઓ ધરબી દીધી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પાકિસ્તાનમાં આ રીતે સતત એક પછી એક ભારતીય વોન્ટેડ આતંકવાદીઓની થતી રહસ્યમય હત્યાઓથી પાકિસ્તાની સેના અને આઈએસઆઈના કમાન્ડરો ભારે ફફડાટ અને ગભરાટ અનુભવી રહ્યા છે.

(12:16 AM IST)