તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
સ્થાનિક સ્વરાજ્યનો ચૂંટણી સંગ્રામ : ક્યાંક ટિકિટ માટે ટકરાવ તો ક્યાંક આંસુઓના પૂર : લોકશાહીના પર્વમાં નેતાઓના હાઈવોલ્ટેજ ડ્રામા અને ખુરશી માટેના ખેલથી ગુજરાતનું રાજકારણ ગરમાયું
ટિકિટ ન મળતાં નેતાઓએ ગજવ્યા આભ, પથ્થરમારો, પક્ષપલટા અને ફિનાઈલના ઘૂંટડા પીવાના કરતૂતોએ જમાવી જબરી રમઝટ : પ્યુન નસીબદાર નીકળ્યા તો પાયાના કાર્યકરો પાયમાલ થયા : 'પતિ-પત્ની ઔર વો (ટિકિટ)' ફોર્મ્યુલાએ સર્જ્યો અસંતોષનો ભડકો

રાજકોટ:ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શરણાઈના સૂર વાગી રહ્યા છે, ત્યારે રાજ્યના ખૂણેખૂણેથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન એવા એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જે કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટને પણ ટક્કર આપે. સત્તા મેળવવાની લાલસામાં અને ટિકિટ કપાવાના ડરમાં નેતાઓ અને કાર્યકરોએ મર્યાદાઓ ઓળંગી દીધી છે. ક્યાંક આત્મહત્યાના પ્રયાસ થયા છે તો ક્યાંક પક્ષ પ્રત્યેની વફાદારી મિનિટોમાં હવામાં ઓગળી ગઈ છે.
સુરતમાં આવેશનો અતિરેક અને ગ્લેમરનો તડકો:
સુરતના વોર્ડ નંબર 14 માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગૌશાલી ચાચર જ્યારે ટેકનિકલ ખામીને લીધે ફોર્મ ભરી શક્યા નહીં, ત્યારે તેમણે આવેશમાં આવીને કલેક્ટર કચેરીમાં જ ફિનાઈલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ આખા તંત્રને દોડતું કરી દીધું હતું. બીજી બાજુ, પક્ષે સોશિયલ મીડિયાના જોરે ચૂંટણી જીતવા માટે 20 હજાર ફોલોઅર્સ ધરાવતી ઈન્ફ્લુએન્સર પર પણ દાવ ખેલ્યો છે.
રુદન, રાજીનામા અને આંતરિક બળવો:
વડોદરામાં ભાજપના પાયાના ગણાતા મહિલા નેતા ટિકિટ ન મળતા મીડિયા સમક્ષ ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને વર્ષોની મહેનત પાણીમાં ગઈ હોવાનો વસવસો ઠાલવી પક્ષને રામ-રામ કહી દીધા હતા. અમદાવાદના નરોડામાં પણ સ્થિતિ સ્ફોટક બની છે, જ્યાં 'નવા નિશાળિયા'ને ટિકિટ મળતા જૂના જોગીઓએ વોટ્સએપ ગ્રુપોમાં ભડાકા કરી સામૂહિક રાજીનામા ધરી દીધા છે.
હિંસા અને હરખના વિરોધાભાસી દ્રશ્યો:
બોટાદમાં તો વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ હતી. પુત્રની ટિકિટ માટે પિતાએ ભાજપના પ્રમુખ પર હુમલો કર્યો હતો, જેમાં નિર્દોષ કાર્યકરો લોહીલુહાણ થયા હતા. મોરબીમાં પણ મંત્રી કાંતિ અમૃતિયા સાથે કાર્યકરોની તુતુ-મેમે ચર્ચાનો વિષય બની છે. આ નકારાત્મકતાની વચ્ચે મહેસાણામાંથી એક પોઝિટિવ સમાચાર પણ આવ્યા છે, જ્યાં પક્ષે 28 વર્ષથી કાર્યાલયમાં પ્યુન તરીકે સેવા આપતા વફાદાર વ્યક્તિને ટિકિટ આપી છે.
પરિવારવાદ અને પક્ષપલટાનો દોર:
રાજ્યમાં અનેક જગ્યાએ 'પતિ-પત્ની' ફોર્મ્યુલાએ જોર પકડ્યું છે. નડિયાદ સહિતના વિસ્તારોમાં ટિકિટ ઘરની બહાર ન જાય તે માટે પત્નીને બદલે પતિ કે પતિને બદલે પત્નીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ નીતિના વિરોધમાં કલોલમાં 400 કાર્યકરોએ કેસરીયો ત્યાગી કોંગ્રેસનો પંજો પકડ્યો છે. આ સિવાય ડભોઈ, પેટલાદ, બોડેલી અને ડીસામાં પણ ટિકિટ ન મળતા અનેક દિગ્ગજોએ અપક્ષ તરીકે કે અન્ય પક્ષમાંથી ફોર્મ ભરીને મુખ્ય પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે. મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીના ટેકેદારના પત્નીએ પણ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવતા સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
