News of Sunday, 20th September 2026
લાંબા યુદ્ધે ઈઝરાયલી સેનાની કમર તોડી: હથિયારો અને સૈનિકોની અછત સર્જાતા બોઈંગ સાથેની ડીલ અટકી
ત્રણ વર્ષના ભીષણ સંગ્રામ બાદ સૈન્ય ઉપકરણો ઘસાતા અને બજેટની અછત વર્તાતા ઈઝરાયલના સંરક્ષણ ક્ષેત્રમાં ચિંતા વધી છે.

જેરુસલેમ : ગત ત્રણ વર્ષથી ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે ઈઝરાયલી સેના સમક્ષ હથિયારો અને સૈનિકોની ગંભીર અછત સર્જાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં અખબાર મારિવના દાવા મુજબ ઈઝરાયલે છેલ્લા ત્રણ દાયકામાં વપરાય તેટલો દારુગોળો માત્ર આ ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં જ વાપરી નાખ્યો છે જેના લીધે મોટી સંખ્યામાં ટેંકો ઘસાયને નકામી થઈ ગઈ છે અને સૈનિકોની અછતને પહોંચી વળવા માટે તેમની રજાઓ પણ રદ કરવામાં આવી રહી છે, એટલું જ નહીં પરંતુ અમેરિકન કંપની બોઈંગ પાસેથી ૧૨ અપાચે હેલિકોપ્ટર ખરીદવાની મહત્વપૂર્ણ ડીલ પણ બજેટની અછતના કારણે હાલ પૂરતી અટકી પડી છે.
ઓક્ટોબર ૨૦૨૩માં હમાસના હુમલા બાદ ગાઝામાં શરૂ થયેલું આ સૈન્ય અભિયાન સમયની સાથે લેબનોન, ઈરાન, વેસ્ટ બેંક અને સીરિયા જેવા અનેક મોરચાઓ સુધી વિસ્તર્યું હતું, જેને કારણે સેનાએ મોટા પ્રમાણમાં ટેંક, બુલેટપ્રુફ વાહનો, દારુગોળો અને આધુનિક ઉપકરણોનો સતત ઉપયોગ કરવો પડ્યો હતો. જો કે, અમેરિકા દ્વારા દર વર્ષે સરેરાશ ૨૯ હજાર કરોડ રૂપિયાની માતબર સૈન્ય સહાય પૂરી પાડવામાં આવે છે અને બીજા વિશ્વયુદ્ધ પછી ઈઝરાયલ અમેરિકા પાસેથી સૌથી વધુ સહાય મેળવનાર દેશ રહ્યો હોવા છતાં, હાલમાં હથિયારોની ખરીદી માટે બજેટની ચિંતા ઊભી થવી એ વાતની સાક્ષી પૂરે છે કે સેના પોતાના યુદ્ધ ભંડારને ફરીથી ભરવા માટે સંઘર્ષ કરી રહી છે.
આ સમગ્ર મુદ્દે રક્ષા નિષ્ણાંત હમઝા અત્તારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ઈઝરાયલી સેના પાસે લડવા માટે બિલકુલ હથિયારો જ નથી એવું નથી, કારણ કે ઈઝરાયલ હંમેશાં જરૂરિયાત કરતા વધુ હથિયારોનો વિશાળ ભંડાર રાખતું આવ્યું છે, પરંતુ સતત ત્રણ વર્ષના યુદ્ધના કારણે નુકસાન પામેલા ઉપકરણોને બદલીને ભંડારને ફરીથી લાંબા ગાળાના યુદ્ધ માટે સજ્જ કરવા માટે તેને ભારે ભરખમ બજેટની આવશ્યકતા છે.
અમેરિકા તરફથી મળતી અબજો રૂપિયાની સહાય છતાં વધતી જતી સૈન્ય જરૂરિયાતો અને ભંડારને પૂરતા સ્તરે જાળવી રાખવાના પડકારોને પગલે આગામી સમયમાં ઈઝરાયલ સરકાર સંરક્ષણ બજેટ વધારવા અથવા શસ્ત્ર ખરીદીની પોતાની રણનીતિમાં ફેરફાર કરવા માટે નવા પગલાં ભરે તેવી પૂરી સંભાવના છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
